ન્યૂયોર્કઃ વિઝા છેતરપિંડી તથા ષડયંત્ર સંબંધિત અનેક ગુનાઓ માટે 33 વર્ષના એક ભારતીય નાગરિકને દોષિત ઠેરવવામાં આવ્યો છે. અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં ત્રણ-દિવસના જ્યુરી મુકદ્દમાને પગલે આ ચુકાદો આવ્યો છે. અપરાધીનું નામ છે વિનયકુમાર પટેલ. તે લોક હેવન શહેરમાં એક ફ્યૂઅલ-ઓન સુવિધા સ્ટોરમાં મેનેજર તરીકે કામ કરતો હતો. 2019ના જૂન મહિનામાં, પટેલે ન્યૂ જર્સીમાં રહેતા તેના એક સહયોગીનો સંપર્ક કર્યો હતો અને એને કહ્યું હતું કે તું કોઈક એવી વ્યક્તિને ભાડેથી રાખ જે ફ્યૂઅલ-ઓન સુવિધા સ્ટોરમાં લૂંટ ચલાવે.
બાદમાં તે આયોજનપૂર્વકની લૂંટનો બનાવ બન્યો હતો. મામલો પોલીસમાં ગયો હતો. પેન્સિલ્વેનિયા રાજ્યની પોલીસે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે પટેલે U-વિઝા માટે અરજી કરવા લૂંટના PSP (પ્રી-એમ્પ્લોયમેન્ટ સ્ક્રીનિંગ પ્રોગ્રામ) અહેવાલોનો ઉપયોગ કર્યો હતો. U-વિઝા યૂએસ સિટીઝનશિપ એન્ડ ઈમિગ્રેશન સર્વિસીસ દ્વારા આપવામાં આવતા વિશેષ પ્રકારના વિઝા છે, જે એવા બિન-નાગરિકોને આપવામાં આવે છે જે ગુનાખોરીનો ભોગ બન્યા હોય અને જેમણે તપાસમાં પોલીસતંત્રને સહકાર આપ્યો હોય.
જ્યારે લૂંટની ઘટના બની હતી એ સમયે પટેલ પાસે અમેરિકામાં વસવાટનો કોઈ કાયદેસર ઈમિગ્રેશન દરજ્જો નહોતો. તેથી લૂંટની ઘટનામાં અપરાધી ઠર્યા બાદ એને મહત્તમ 25 વર્ષની જેલની સજા થઈ શકે છે અને દંડ પણ ચૂકવવો પડશે.
