વોશિંગ્ટનઃ અમેરિકાના નૌકાદળનાં પીઢ ભારતીય-અમેરિકન મહિલા અધિકારી શાંતિ સેઠીનો અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસનાં કાર્યાલયમાં એમનાં એક્ઝિક્યૂટિવ સેક્રેટરી અને સંરક્ષણ સલાહકાર તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. શાંતિ સેઠીએ 2010ના ડિસેમ્બરથી 2012ના મે સુધી અમેરિકન નૌકાદળના માર્ગદર્શિત-મિસાઈલ નાશક જહાજ ‘યૂએસએસ ડેકેટર’નું કમાન્ડ સંભાળ્યુું હતું. એક મોટા જહાજ પર ફરજ બજાવનાર પ્રથમ ભારતીય-અમેરિકન કમાન્ડર છે. તેઓ હાલમાં જ ઉપપ્રમુખ હેરિસનાં કાર્યાલયમાં જોડાયાં હતાં.
શાંતિ સેઠી એમની નવી ભૂમિકામાં, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સાથે સંકલન કરશે, એમ તેમનાં લિન્ક્ડઈન પ્રોફાઈલ પરથી જાણવા મળ્યું છે. ભારતની મુલાકાત લેનાર અમેરિકન નૌકાદળના કોઈ પ્રથમ જહાજનાં પણ તેઓ પ્રથમ મહિલા કમાન્ડર હતાં. તેઓ 1993માં અમેરિકન નૌકાદળમાં જોડાયાં હતાં. કમલા હેરિસ અમેરિકામાં ઉપપ્રમુખ બનનાર ભારતીય મૂળનાં પ્રથમ વ્યક્તિ છે.