ભારત-અમેરિકા મૈત્રીપૂર્ણ સંબંધો આગળ ધપાવાશેઃ બાઇડન સરકાર

નવી દિલ્હીઃ બાઇડન સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યાના નવમા દિવસે અમેરિકાના વિદેશપ્રધાન એન્ટોની રે બ્લિનકેને ભારત અને પાકિસ્તાનના વિદેશપ્રધાનો સાથે વાત કરી હતી. બ્લિનકેને વિદેશપ્રધાન એસ. જયશંકર અને પાકિસ્તાની વિદેશપ્રધાન મોહમ્મદ કુરેશીની સાથે ટેલિફોન વાતચીત પછી એક નિવેદન જારી કર્યું હતું. જેમાં દક્ષિણ એશિયાને લઈને અમેરિકાની ભાવિ નીતિની ઝલક છે. બાઇડન સરકારે ભારતની સાથે સંબંધોના કેન્દ્રમાં હિન્દ પ્રશાંત ક્ષેત્ર રહેશે. જ્યારે પાકિસ્તાની સાથે અમેરિકાનો ભાર આતંકવાદની સામે સહયોગ પર રહેશે.

છેલ્લા ત્રણ દિવસોમાં ભારત અને અમેરિકાના સંરક્ષણપ્રધાનો, આર્થિક સુરક્ષા સલાહકારો અને વિદેશ પ્રધાનોની વચ્ચે ટેલિફોનથી વાતચીત થઈ છે, જેમાં હિંદ પ્રશાંત ક્ષેત્રની ચર્ચા થઈ છે. આનો સાર બાઇડન અને વડા પ્રધાન મોદી વચ્ચે ટેલિફોન પર વાતચીત હશે. આ બંને નેતાઓની વચ્ચે એક-બે દિવસમાં ટેલિફોન પર વાતચીત થશે.

બાઇડન સરકારે ક્વાડ વ્યવસ્થા  જાપાન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, ભારતનું સંગઠન)નો ઉલ્લેખ કરીને સ્પષ્ટ કર્યું છે કે આ સંબંધો આગળ વધરવાની નીતિ જારી રહેશે. ચીનને હિંદ પ્રશાતથી વાંધો છે, કેમ કે આ ક્ષેત્રમાં ભારતને વધુ મહત્ત્વ અપાઈ રહ્યું છે.  જોકે પાકિસ્તાન આતંકવાદ સામે પગલાં ભરશે અને અફઘાનિસ્તાનમાં સ્થાયી શાંતિ સ્થાપવામાં મદદ કરશે તો અમેરિકાથી એને આર્થિક સહયોગ મળશે, જો દબાણ હેઠળ પાકિસ્તાન આતંકવાદ છોડશે તો ભારત એનું સ્વાગત કરશે.