નેવેલની, થુનબર્ગ, WHO નોબેલ શાંતિ-પારિતોષિક માટે નામાંકિત

ઓસ્લોઃ રશિયાના અસંતુષ્ટ નેતા એલેક્સી નેવેલની, પર્યાવરણ રક્ષણ માટેનાં જાગતિક પ્રચારક ગ્રેટા થુનબર્ગ અને વિશ્વ આરોગ્ય સંસ્થાને આ વર્ષના નોબેલ શાંતિ પારિતોષિક માટે નામાંકિત કરવામાં આવ્યાં છે. આ ત્રણેય ઉમેદવારનાં નામને નોર્વેના સંસદસભ્યોએ સમર્થન આપ્યું છે. નામાંકનની મુદત છેલ્લી તારીખ 31 જાન્યુઆરીના રવિવારે બંધ થાય છે. આ એવોર્ડના વિજેતાનો નિર્ણય નોર્વેજિયન નોબેલ કમિટી સંસ્થા કરે છે. વિજેતાની જાહેરાત આ વર્ષના ઓક્ટોબરમાં કરવામાં આવશે.

કોરોના વાઈરસ જાગતિક રોગચાળાને રોકવા માટે તૈયાર કરાયેલી રસીઓ ગરીબ દેશોને યોગ્ય રીતે પહોંચતી કરવામાં કોવેક્સ કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન કરવા બદલ વિશ્વ આરોગ્ય સંસ્થાનું નામ પસંદ કરવામાં આવ્યું છે. ગ્રેટા થુનબર્ગ પર્યાવરણ કટોકટીની સમસ્યા વિરુદ્ધની લડતમાં મોખરાના પ્રચારક રહ્યાં છે. રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનના પ્રખર ટીકાકાર નેવેલનીના નામની ભલામણ રશિયન શિક્ષણશાસ્ત્રીઓએ કરી હતી. રશિયામાં શાંતિપૂર્ણ લોકશાહીકરણ કરાવવાના પ્રયાસો માટે એમના નામની ભલામણ કરવામાં આવી છે.