નવી દિલ્હી : બ્રિટન સરકારે ગેંગસ્ટર દાઉદ ઇબ્રાહિમના ભાગીદાર ટાઇગર હનીફની સોંપણી ભારતને કરવાની ના પાડી દીધી છે. હનીફ ટાઈગર 1993 ગુજરાતના સુરતમાં બોમ્બ બ્લાસ્ટનો મુખ્ય આરોપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બ્રિટન સરકારના આ નિર્ણય પાછળ બ્રિટનમાં પાકિસ્તાની મૂળના નેતા સાજીદ જાવેદનો હાથ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભારત ટાઈગર હનીફના પ્રત્યાર્પણ વિશે ફરી અપીલ નોંધાવે તેવી શક્યતા છે.
59 વર્ષીય હનીફની 2010માં યુકેમાં જ ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય ગુપ્તચર એજન્સીઓની માહિતી પર ત્યાંની પોલીસે આ કાર્યવાહી કરી હતી. તેના પ્રત્યાર્પણનું વોરંટ પણ ભારતીય અધિકારીઓએ મેળવ્યું હતું. ટાઇગરે તેને કોર્ટમાં પડકાર્યું હતું. એપ્રિલ 2013માં બ્રિટિશ હાઇકોર્ટે તેની અપીલ નામંજૂર કરી હતી. ત્યારબાદ તેનો કેસ યુકેના ગૃહ સચિવને સોંપવામાં આવ્યો હતો. જો કે, આ કેસ ઘણા વર્ષો સુધી ચાલ્યા પછી યુકેના એ વખતના ગૃહ સચિવ (2018-19) સાજિદ જાવેદે ટાઈગરના ભારત પત્યાર્પણ માટે ઈનકાર કરી દીધો હતો.
ટાઇગર હનીફને હનીફ મોહમ્મદ ઉમરજી પટેલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે 1993માં ગુજરાતમાં થયેલા બોમ્બ બ્લાસ્ટના આરોપી ઇકબાલ મિર્ચી સાથે પણ સંકળાયેલો છે. તેમણે સુરતમાં બોમ્બ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી હતી. તેમાં આઠ વર્ષની એક બાળકીનું મોત નીપજ્યું હતું. 1992ની બાબરી મસ્જિદ તોડવાનો બદલો લેવા સુરત રેલ્વે સ્ટેશન પર બોમ્બ ધડાકામાં પણ તે આરોપી છે. તેમાં દસથી વધુ લોકો ઘાયલ થયા હતા.