ઈઝરાયલ સાથે સ્પાઈક મિસાઇલની ખરીદી પર પુન:વિચાર કરશે ભારત

નવી દિલ્હી- ભારત સરકાર ઈઝરાયલ પાસેથી સ્પાઈક મિસાઈલ ખરીદવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલ પાકિસ્તાન સામે ભારતીય સેનાની એન્ટી-ટેન્ક કેપેસિટી વધારવામાં મદદ કરશે. આ અંગેની માહિતી આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ આપી છે.મળતી માહિતી મુજબ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) આગામી ત્રણ વર્ષમાં સ્વદેશી ટેકનોલોજીની મદદથી એન્ટી-ટેન્ક મિસાઈલ બનાવવાની તૈયારી કરી રહ્યું છે. પરંતુ ભારતીય સેના ત્યાં સુધી રાહ જોવા નથી ઈચ્છતી અને સ્પાઈક મિસાઈલ ખરીદવાની તૈયારી કરી રહી છે. આ મિસાઈલની ખરીદીનો પ્રસ્તાવ ઘણા એડવાન્સ્ડ સ્ટેજ પર છે. સૂત્રોનું માનીએ તો આ પ્રસ્તાવ માટે હવે સરકારની પરવાનગીની રાહ જોવાઈ રહી છે.

મળતી માહિતી મુજબ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલનો ઓર્ડર ઈરાયલની રાફેલ એડવાન્સ્ડ ડિફેન્સ સિસ્ટમ્સ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. ભારતીય સેનાની જરુરિયાતો જોતાં આ મિસાઈલ ખરીદવાનો નિર્ણય આ વર્ષે જ લેવામાં આવે તેવી શક્યતા છે.

રાફેલના ઈઝરાયલ સ્થિત ઓફિસના પ્રવક્તાએ આ વાતને સમર્થન આપ્યું છે કે, આ સંભવિત કરારને લઈને હજી ચર્ચા કરવામાં આવી રહી છે. પરંતુ જ્યાં સુધી કરાર પર હસ્તાક્ષર ન થાય ત્યાં સુધી તે અંગે કોઈ ટિપ્પણી કરી શકાય નહીં.