વોશિંગ્ટન- અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આખરે ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન સાથે મુલાકાત કરવા સહમત થયા છે. હવે બંને નેતાઓ પૂર્વ નિર્ધારિત સમય અને સ્થળે મુલાકાત કરશે. એટલે કે, ટ્રમ્પ અને કિમ જોંગની મુલાકાત સિંગાપુરમાં 12 જૂનના રોજ યોજાશે. આ પ્રથમ ઘટના બનશે જ્યારે બન્ને નેતા એક-બીજા સાથે મુલાકાત કરશે.વ્હાઈટ હાઉસમાં ઉત્તર કોરિયાના વરિષ્ઠ અધિકારી કિમ યોંગ ચોલ સાથે મુલાકાત કર્યા બાદ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કિમ જોંગ સાથેની મુલાકાતની પુષ્ટિ કરી હતી. એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉને તેમના વિશ્વાસુ નેતા કિમ યોંગ ચોલ દ્વારા ટ્રમ્પને એક પત્ર મોકલાવ્યો હતો. જે વાંચ્યા બાદ ટ્રમ્પ સિંગાપુરમાં જ પૂર્વ નિર્ધારિત સમયે કિમ જોંગ સાથે મુલાકાત કરવા સહમત થયા છે.
કિમ યોંગ ચોલના વ્હાઇટ હાઉસમાંથી ગયા બાદ તરત જ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, ‘અમે 12 જૂનના રોજ સિંગાપુરમાં કિમ જોંગ સાથે મુલાકાત કરશું. આશા છે. અંતમાં આ એક સફળ પ્રક્રિયા સાબિત થશે’.