વોશિંગ્ટન- અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મેટિસે તેમની સિંગાપુર મુલાકાત દરમિયાન જણાવ્યું કે, ચીનની સેના દક્ષિણ ચીન સમુદ્રમાં તેનું પ્રભુત્વ વધારી રહી છે. વધુમાં મેટિસે કહ્યું કે, ‘વિવાદીત સમુદ્રી ક્ષેત્રમાં ચીન આધુનિક હથિયાર પ્રણાલી તહેનાત કરીને પોતાની દાદાગીરી દર્શાવી રહ્યું છે’.સિંગાપુરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય સુરક્ષા શિખર બેઠકમાં પેન્ટાગોનના વડાએ જણાવ્યું કે, અમેરિકન સેના કોરિયાઈ ટાપુને પૂર્ણ, પ્રામાણિક, યોગ્ય અને સ્થાઈ પરમાણુ નિઃશસ્ત્રીકરણ માટે લશ્કરી અધિકારી અને રાજદ્વારીઓનું સમર્થન ચાલુ રાખશે. ઉલ્લેખનીય છે કે, બે સપ્તાહ બાદ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર કિમ જોંગ ઉન વચ્ચે સિંગાપુરમાં શિખર બેઠક યોજાશે.
ચીનના સંદર્ભમાં મેટિસે દાવો કર્યો છે કે, ચીને સમગ્ર દક્ષિણ ચીન સમુદ્રમાં જહાજ અવરોધક મિસાઈલ, જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઈલ અને ઈલેક્ટ્રોનિક જામર સહિત અન્ય સૈન્ય સામાન તહેનાત કર્યો છે. દક્ષિણ ચીન સાગરમાં ચીને આધુનિક સૈન્ય સુવિધાઓથી સજ્જ કૃત્રિમ ટાપુઓ અને લશ્કરી માળખાનું નિર્માણ કર્યું છે.
આપને જણાવી દઈએ કે, હાલમાં જ વિવાદિત પારાસેલ ટાપુ સમુહના એક ટાપુ પર અમેરિકાના બે યુદ્ધ જહાજ આવ્યા બાદ ચીને આ ઘટના અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ જેમ્સ મેટિસે કહ્યું હતું કે, અમેરિકા દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના પ્રાદેશિક દાવાને લઈને પડકાર આપવાનું ચાલુ રાખશે.
ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ તેમના હાલના સિંગાપુર પ્રવાસ દરમિયાન અમેરિકાના રક્ષાપ્રધાન જેમ્સ મેટિસ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત ઘણી મહત્વની રહી હોવાનું માનવામાં આવે છે.