શાંતિ અને સ્થિરતા માટે ભારત-સિંગાપુરે સાથે કામ કરવું પડશે: પીએમ મોદી

સિંગાપુર- ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના સિંગાપુર પ્રવાસ દરમિયાન વડાપ્રધાન લી સીન લૂંગ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. આ સિવાય પીએમ નરેન્દ્ર મોદી અન્ય મહત્વપૂર્ણ કાર્યક્રમો અને શાંગ્રિ-લા સંવાદમાં પણ ભાગ લેશે. ભારત અને સિંગાપુરના સંબંધોને લઈને પીએમ મોદીએ જણાવ્યું કે, બન્ને દેશો પરસ્પર મહત્વપૂર્ણ સહયોગી છે.વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, એશિયામાં શાંતિ અને સ્થિરતા માટે ભારત અને સિંગાપુરે સાથે મળીને કામ કરવું પડશે. પીએમ મોદીએ સિંગાપુરમાં સ્થાયી થયેલા ભારતીય સમુદાયને સંબોધન કરતા જણાવ્યું કે, અહીંયા મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. અને તેઓ ભારત અને સિંગાપુર એમ બે રાષ્ટ્રોનું પ્રતિનિધિત્વ કરે છે. વધુમાં પીએમ મોદીએ કહ્યું કે, સિંગાપુરના CEOનો ભારત પ્રત્યેનો વિશ્વાસ જોઈ અત્યંત આનંદ થયો.

પીએમ મોદીએ કહ્યું કે, ભારત અને સિંગાપુરના સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીની કસોટી પર ખરા ઉતર્યા છે. બન્ને દેશોના સંબંધોમાં ઉત્સાહ અને વિશ્વાસ છે. અમે અમારા દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી અને ભવિષ્યના સંબંધો વિશે ચર્ચા પણ કરી છે. બન્ને દેશોએ વ્યાપક આર્થિક સહકારની બીજી સમીક્ષા કરી અને અમે તેના પર આગળ વધવા સહમત થયા છીએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત માટે સિંગાપુર FDIનો એક મહત્વનો સ્રોત છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]