વોશિંગ્ટનઃ અમેરિકામાં વેપાર-ઉદ્યોગ ક્ષેત્રમાં એક ટોચના ભારત-કેન્દ્રી ગ્રુપ ‘યૂએસ-ઈન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોર્મ’એ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જૉ બાઈડનને વિનંતી કરી છે કે H-1B વિઝા પર મૂકવામાં આવેલા નિયંત્રણોને એમનું વહીવટીતંત્ર હળવા બનાવે અને અમેરિકામાં ઈન્ફોર્મેશન-ટેક્નોલોજી પ્રોફેશનલ્સ માટે વધી રહેલી માગણીને પહોંચી વળવા માટે વિજ્ઞાન અને ગણિતના વિષયોમાં ડિગ્રી ધરાવતા ઉચ્ચ શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓને ગ્રીન કાર્ડ પૂરા પાડે. ડેમોક્રેટિક પાર્ટીના નેતા બાઈડને વચન આપ્યું છે કે તેઓ H-1B વિઝા પરના સસ્પેન્શનને ઉઠાવી લેશે. ટ્રમ્પની સરકારની ઈમિગ્રેશન નીતિઓ નિષ્ઠુર પ્રકારની છે.
ઉલ્લેખનીય છે કે, ગઈ 31 ડિસેમ્બરે વિદાય લેતા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર એમના વહીવટીતંત્રએ મૂકેલા નિયંત્રણોની મુદતને વધુ ત્રણ મહિના સુધી, એટલે કે 31 માર્ચ, 2021 સુધી લંબાવી દીધી હતી. આ નિર્ણયને કારણે ઘણી મોટી સંખ્યામાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સને માઠી અસર પડશે, જેમને અમેરિકાની સરકારે 2021ના નાણાકીય વર્ષ માટે વિઝા ઈસ્યૂ કર્યા છે.