ટ્રમ્પના સમર્થકોનો સંસદભવન પર હલ્લોઃ વોશિંગ્ટન-ડીસીમાં કર્ફ્યૂ

વોશિંગ્ટનઃ અમેરિકામાં ગયા વર્ષે યોજાઈ ગયેલી પ્રમુખપદની ચૂંટણીમાં હારી ચૂકેલા વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પના હિંસક સમર્થકોએ ગઈ કાલે રાતે અમેરિકાના સંસદભવન – કેપિટોલ બિલ્ડિંગ પર હલ્લો કર્યા બાદ, અસાધારણ અને અભૂતપૂર્વ અંધાધૂંધી ફેલાતાં સમગ્ર પાટનગર વોશિંગ્ટન ડીસીમાં રાતનો કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો. સંસદના બંને ગૃહ – પ્રતિનિધિ સભા અને સેનેટમાં ઘૂસી હિંસા કરનાર તોફાની દેખાવકારોને ચોકિયાતોએ બળપૂર્વક હાંકી કાઢ્યા હતા. સુરક્ષા જવાનોને કેપિટોલ સંકુલમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. રમખાણમાં એક મહિલા દેખાવકારનું મોત નિપજ્યું છે તથા બીજા અનેક ઘાયલ થયા છે જેમાં કેટલાક પોલીસજવાનોનો પણ સમાવેશ થાય છે.

પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા નિવડેલા ડેમોક્રેટિક પાર્ટીના જોસેફ (જૉ) બાઈડનની જીતને માન્યતા આપવા માટેની ચર્ચા કરવા સંસદસભ્યો બંને ગૃહમાં એકત્ર થયા હતા ત્યારે દેખાવકારો અચાનક ત્યાં ઘૂસી ગયા હતા. પ્રમુખ ટ્રમ્પે એમના હિંસક દેખાવકારોને વિનંતી કરી હતી કે તેઓ એમને ઘેર પાછા ચાલ્યા જાય. ચૂંટણીમાં થયેલી હારનો સ્વીકાર કરવાની ટ્રમ્પે ફરી ના પાડી દીધી છે અને દાવો કર્યો છે કે ચૂંટણીના પરિણામમાં ઘાલમેલ કરવામાં આવી છે.

યૂએસ કેપિટોલ બિલ્ડિંગ પર હિંસક દેખાવકારોના હલ્લાના સમાચાર જાણ્યા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટર પર પોતાના પ્રત્યાઘાત આપ્યા છે. એમણે કહ્યું છે કે વોશિંગ્ટન ડીસીમાં હિંસા અને રમખાણના દ્રશ્યો જોઈને દુઃખ થયું છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]