નેપાળી સેનાએ દેશઆખામાં લગાવ્યો કરફ્યુઃ દેખાવકારોને આપી ચેતવણી

કાઠમંડુઃ નેપાળી સેનાએ બુધવારે દેશભરમાં કર્ફ્યુ લાગુ કરવાનું એલાન કર્યું છે. દેશમાં કરફ્યુ સાંજના પાંચ વાગ્યા સુધી અમલમાં રહેશે, ત્યાર બાદ ગુરુવાર સવારે છ વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાગુ રહેશે. જાહેર સુરક્ષાને ખતરો જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે, એમ સેનાએ જણાવ્યું છે.

નેપાળની સેના દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અશાંત જૂથોએ પ્રદર્શનમાં ઘૂસણખોરી કરી છે. એ સાથે તોડફોડ, આગજની, લૂંટફાટ, વ્યક્તિઓ અને સંપત્તિ પર નિશાન સાધીને હુમલા તથા યૌન શોષણના પ્રયાસો થયા છે. સેનાએ ચેતવણી આપી છે કે આવી પ્રવૃત્તિઓ આગળ પણ ચાલુ રહી શકે છે, તેથી શાંતિ અને સુરક્ષા જાળવવા માટે કર્ફ્યુ જરૂરી બની ગયો છે.સેનાએ અત્યાર સુધી મળેલા જનસહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને અશાંતિ દરમિયાન થયેલા જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. સેનાએ નાગરિકોને અપીલ કરી છએ કે તેઓ પ્રદર્શન દરમિયાન થતી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકવાના પ્રયાસોમાં સહયોગ આપે. સેનાના નિવેદન મુજબ કર્ફ્યુ દરમિયાન આવશ્યક સેવાઓને મંજૂરી રહેશે, જેમાં એમ્બ્યુલન્સ, મૃતદેહ વાહન, અગ્નિશામક ગાડીઓ તથા આરોગ્ય કર્મચારીઓ અને સુરક્ષા દળોને લઇ જતાં વાહનોનો સમાવેશ થાય છે. સર્વિસ પ્રોવાઇડરોને આસપાસના સુરક્ષા અધિકારીઓ સાથે સમન્વય કરવા કહેવામાં આવ્યું છે.

અફવા ફેલાવનારાઓ સામે થશે કાર્યવાહી

સેનાએ એ પણ જણાવ્યું છે કે રાજકીય ઉકેલ માટે સંબંધિત પક્ષો વચ્ચે ચર્ચા ચાલુ છે, પરંતુ એ સાથે ચેતવણી આપી છે કે તોડફોડ, લૂંટ, આગજની અથવા હુમલાઓવાળા કોઈ પણ પ્રદર્શનને ગુનાહિત કૃત્ય માનવામાં આવશે અને સુરક્ષા દળો દ્વારા કડકાઈથી કાર્યવાહી કરવામાં આવશે. સેનાએ નિવૃત્ત સૈનિકો, સરકારી કર્મચારીઓ, પત્રકારો અને સામાન્ય જનતાને અપીલ કરી છે કે તેઓ અફવા ન ફેલાવે, ન તો એના પર વિશ્વાસ કરે અને ફક્ત સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરે. નેપાળી સેના દરેક પરિસ્થિતિમાં તમામ નેપાળી નાગરિકોની સુરક્ષા અને માનવીય રાહત માટે પ્રતિબદ્ધ છે.