ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં આવેલા પૂરથી હાલત બદથી બદતર છે. શાકભાજી અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓ માટે પાકિસ્તાન ભારત તરફ આશાની મીટ માંડીને બેઠું છે, પણ પાકિસ્તાન ત્યાં રહેતા અલ્પસંખ્યકોની સાથે ભેદભાવ કરી રહ્યું છે. પાકિસ્તાનના એક પત્રકારે સરકારના પક્ષપાતી અને અલ્પસંખ્યકો પ્રત્યે નફરતનો પર્દાફાશ કર્યો છે. સિંધ પ્રાંતમાં પૂર પીડિત હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકોને રિલીફ કેમ્પોમાંથી બહાર ભગાડી દેવામાં આવ્યા છે. આ કેમ્પમાં મુસલમાનોને જ માત્ર જગ્યા આપવામાં આવી રહી છે. બીજી બાજુ, હિન્દુઓએ પીડિતોની મદદ માટે મંદિરના દરવાજા ખોલી કાઢ્યા છે.
પાકિસ્તાનના સિંધમાં આવેલા પૂરથી સ્થિતિ ખરાબ થઈ છે, જેમાં ભગરી સમુદાયના લોકો દ્વારા ભયંકર સ્થિતિ વિશે જણાવતાં વિડિયો પણ સોશિયલ મિડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ પૂરમાં ફસાયેલા પાકિસ્તાની હિન્દુઓની દુર્દશાને કવર કરવાથી નારાજ સરકારે પત્રકાર નસરલ્લાહ ગદ્દાનીની પોલીસ પાસે ધરપકડ કરાવી લીધી. આ પત્રકારે સિંધના મીરપુર મથેલોમાં ભગરી સમુદાય સાથે જોડાયેલા પાકિસ્તાની હિન્દુઓની પીડાને વર્ણવી હતી. પત્રકારનો આરોપ હતો કે સ્થાનિક વહીવટી તંત્રએ ભગરી સમાજના લોકોને હિન્દુ હોવાને કારણે પૂરગ્રસ્ત રાહત શિબિરોમાંથી કાઢી મૂક્યા હતા.
પૂરની રાહત શિબિરોમાંથી ભગાડેલા ગરીબ હિન્દુઓએ કહ્યું હતું કે વહીવટી તંત્ર તેમને પૂરપીડિતો નથી માનતું. આ વિડિયોમાં એક પીડિત ભોજન, પાણી અને આશ્રય જેવી પાયાની ચીજવસ્તુઓથી વંચિત થવાથી રડતો નજરે ચઢ્યો હતો. સિંધ પ્રાંતમાં જ વિનાશકારી પૂરની વચ્ચે ભોજન ઉપલબ્ધ કરાવવાને બહાને એક હિન્દુ યુવતીની સાથે બે લોકોએ બળાત્કાર કર્યો હતો. આ પીડિતાનો એક વિડિયો સોશિયલ મિડિયા પર વાઇરલ થયો હતો, એમાં તે રોતી નજરે ચઢી રહી છે.