બ્રિટનમાં ખેડૂત-આંદોલનના પક્ષમાં 36 બ્રિટિશ સાંસદોએ અવાજ ઉઠાવ્યો

લંડનઃ દેશમાં ખેડૂતોનો વિરોધ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાના સંબંધમાં એ વિરોધ થઈ રહ્યો છે. જોકે કેનેડાએ પણ ભારતના આ આંતરિક મામલામાં હસ્તક્ષેપ કર્યો છે. હવે બ્રિટનમાં પણ ખેડૂતોના પક્ષમાં અવાજ ઊઠી રહ્યો છે. ભારતમાં જારી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં બ્રિટનના 36 સંસદસભ્યો સામે આવ્યા છે.

અહીંની લેબર પાર્ટીના સંસદસભ્ય તનમનજિત સિંહ ધેસીના નેતૃત્વમાં 36 બ્રિટિશ સંસદસભ્યોએ કોમનવેલ્થ સચિવ ડોમિનિક રાબને પત્ર લખ્યો છે. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના ભારતીય સમકક્ષ એસ જયશંકરની પાસેથી ભારતમાં નવા કૃષિ કાયદાઓની સામે ખેડૂતોના આંદોલનનું અપડેટ લે. ભારતમાં પ્રદર્શનથી અહીંના પંજાબીઓમાં પણ આક્રોશ છે અને તેઓ પ્રભાવિત થઈ રહ્યા છે. ભારત સરકાર દ્વારા અહીંના બ્રિટિશ પંજાબીઓની સાથે પણ વાતચીત કરવી જોઈએ.

આ પત્રને બ્રિટિશ શીખ લેબર સંસદસભ્ય તનમનજિત સિંહ ધેસીએ ડ્રાફ્ટ કર્યો છે અને લેબર લીડર જેરમી કોર્બિન સહિત અન્ય ભારતીય મૂળના સંસદસભ્યોએ હસ્તાક્ષર કર્યા છે. ભારતે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા વિરોધ પ્રદર્શન પર વિદેશી નેતાઓ અને રાજકારણીઓ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને બિનજરૂરી અને અયોગ્ય છે, કેમ કે એ મામલો એક લોકતાંત્રિક દેશનો આંતરિક મામલા સંબંધિત છે.

સંસદસભ્યોના પત્રમાં પ્રધાને આગ્રહ કર્યો છે કે પંજાબમાં બગડતી સ્થિતિ પર ચર્ચા કરવા માટે તેમની સાથે તત્કાલ બેઠક કરે. એમાં કહેવામાં આવ્યું છે કે બ્રિટનમાં શીખો અને પંજાબથી જોડાયેલા લોકો માટે આ ચિંતાનો વિષય છે. કેટલાય બ્રિટિશ શીખો અને પંજાબીઓએ પોતાના સંસદસભ્યોની સાથે આ મામલો ઉઠાવ્યો હતો, કેમ કે તેઓ પંજાબમાં પરિવારના સભ્યો અને પૈતૃક ભૂમિથી સીધા પ્રભાવિત છે.