કાબુલઃ તાલિબાને અફઘાનિસ્તાનના પશ્ચિમી હેરાત પ્રાંતમાં લૈંગિક અલગાંવ યોજના લાગુ કરી છે. આ નિયમ લાગુ થયા પછી પુરુષોનો પરિવારના સભ્યોની સાથે રેસ્ટોરાંમાં બેસીને જમવાની મંજૂરી નથી. વર્ચ્યુ અને પ્રિવેન્શન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવેલા નિયમમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્ની છે, ત્યારે પણ તો રેસ્ટોરાંમાં સાથે નથી બેસી શકતાં, એમ અહેવાલો કહે છે.
આમ તાલિબાન નવાં-નવાં ફરમાન જાહેર કરી રહ્યું છે, જેમાં એ ખુલ્લેઆમ માનવ અધિકારો અને મહિલાઓના અધિકારોનું હનન કરી રહ્યા છે. તેમણે મહિલાઓને બુરખા જરૂરી કર્યા પછી પતિ-પત્નીને રેસ્ટોરાંમાં બેસવાનું પણ બંધ કરી દીધું છે. તાલિબાને કોઈ પણ રેસ્ટોરાંમાં પતિ-પત્નીને એકસાથે બેસવાનું અપરાધ ઘોષિત કરી દીધું છે. આવું કરવા પર કડક સજાની વાત કહેવામાં આવી છે. આ મામલે તાલિબાની સરકારના એક અધિકારીએ પુષ્ટિ પણ કરી છે. વળી, રેસ્ટોરાંમાલિકોને મૌખિક રીતે એ ચેતવણી પણ આપવામાં આવી છે. પછી ભલે, એ પતિ-પત્ની હોય, નિયમ બધા પર લાગુ થાય છે.
મંત્રાલયના અધિકારી રિયાઝ ઉલ્લાહ સિરતે કહ્યું હતું કે મંત્રાલયે હેરાતના પાર્કોમાં લૈગિક અલગાંવ માટે પહેલાંજ એક આદેશ જારી કર્યો હતો. જેના હેઠળ પુરુષ અને મહિલા અલગ-અલગ દિવસે પાર્કમાં જવા માટે અધિકૃત છે. તેમણે કહ્યું હતું કે મહિલાઓને કહ્યું હતું કે તે ગુરુવાર, શુક્રવાર અને શનિવારે પાર્કમાં જાય, જ્યારે બાકીના દિવસો પાર્કોને પુરુષો માટે ખોલવામાં આવશે, જેથી તેઓ ખાલી સમયમાં ત્યાં ફરી શકે અને કસરત કરી શકે.
માર્ચમાં તાલિબાને આદેશ જારી કર્યો હતો, જેમાં પુરુષો અને મહિલાઓ માટે એક જ દિવસે મનોરંજન પાર્કમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.