પુત્રી જૈનબ સહિત હિજબુલ્લા ચીફ માર્યો ગયોઃ ઇઝરાયેલ આર્મી

તેલ અવિવઃ ઇઝરાયેલે હિજબુલ્લા ચીફ હસન નરસલ્લાને મારી નાખવાનો દાવો કર્યો છે. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે X હેન્ડલ પર એક પોસ્ટમાં લખ્યું હતું કે હસન નસરલ્લા હવે વિશ્વને ડરાવી નહીં શકે. IDFના પ્રવક્તા ડેનિયલ હગારીએ કહ્યું હતું કે અમે આતંકવાદી સંગઠન હિજબુલ્લાના નેતા હસન નસરલ્લા અને દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કારચી સહિત અન્ય કમાન્ડરોને ઠાર કર્યા છે. દક્ષિણ બેરુતમાં હિજબુલ્લા હેડ ક્વાર્ટર પર ઇઝરાયેલી એરસ્ટ્રાઇકમાં નસરલ્લા અને એની પુત્રી જૈનબ માર્યા ગયા છે.

ઈઝરાયલ દ્વારા લેબેનોનમાં હિઝબુલ્લાહ પર વિવિધ પ્રકારે કરવામાં આવેલા હુમલાઓ બાદ હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે તેમણે હિઝબુલ્લાહના વડા હસન નરસલ્લાહને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ ઓપરેશનનું નામ ‘ઓપરેશન ન્યૂ ઓર્ડર’ રાખવામાં આવ્યું હતું. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ એટલે કે IDF દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી એક પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે ‘હસન નરસલ્લાહ હવે દુનિયાને આતંકિત નહીં કરી શકે.’

ઈઝરાયલ દ્વારા હિજબુલ્લા સામેના ઓપરેશનનું નામ નોર્ધન એરોઝ આપવામાં આવ્યું છે. અગાઉ ઈઝરાયલ આ લડાઈમાં 2000થી વધારે બોમ્બ ફેંકી ચૂક્યું છે. મંગળવાર સુધી મોતનો આંકડો 585 હતો જે હવે 600 પર પહોંચી ગયો છે. જેમાં બૈરુતમાં ઈબ્રાહિમ મોહમ્મદ કસીબીનું પણ મોત થયું છે.

ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતનયાહૂ દ્વારા એક વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે અમારું યુદ્ધ આતંકવાદી સંગઠન હિજબુલ્લા સામે છે. અમે લેબેનોનના નાગરિકોની વિરુદ્ધ નથી. આતંકવાદીઓ લેબેનોનના નાગરિકોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે. તમારાં ઘરોમાં પણ હથિયારો હોય શકે છે, જેથી સ્થળાંતરિત કરી જવાની સલાહ છે, એમ તેમણે કહ્યું હતું.