શિકાગોઃ અમેરિકામાં વસતાં હિન્દૂ લોકોએ નક્કી કર્યું છે કે આવતા મહિને, 22 જાન્યુઆરીએ, અયોધ્યામાં રામ મંદિરનું ઉદઘાટન કરાશે એ દિવસે તેઓ અમેરિકામાં પોતપોતાનાં ઘરમાં ઓછામાં ઓછા પાંચ દીવડા પ્રગટાવશે અને પાવન-યાદગાર પ્રસંગની ઉજવણી કરશે. ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપ રામલલાને 22 જાન્યુઆરી 2024ના રોજ તેમના ભવ્ય મંદિરમાં બિરાજમાન કરવામાં આવશે.
હિન્દૂ સમાજનાં લોકોએ તે પવિત્ર પ્રસંગ નિમિત્તે શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન યોજવાનું પણ નક્કી કર્યું છે. જેમ કે, અમેરિકાના અનેક શહેરોમાં તેઓ કાર રેલી યોજશે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાના ભવ્ય પ્રસંગનું લાઈવ સ્ક્રીનિંગ યોજશે, મિલન સમારંભો યોજશે અને પાર્ટીઓ યોજી આનંદ માણશે. શિકાગોમાં વસતા હિન્દૂ સમાજના આગેવાન ડો. ભરત બારાઈનું કહેવું છે કે, ‘અમારા સૌનું સપનું સાકાર થયું છે. આ દિવસ જોવા મળશે એવું અમે જિંદગીમાં ક્યારેય વિચાર્યું પણ નહોતું. એ ઘડી આવી પહોંચી છે. અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનની ઉજવણી કરવાનો સમય આવી ગયો છે.’
22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગ વખતે હાજર રહેવાનું ડો. ભરત બારાઈને મંદિરના સત્તાધિશો તરફથી આમંત્રણ આપવામાં આવ્યું છે. અમેરિકામાં ઉજવણી કાર્યક્રમોમાં આગેવાની વિશ્વ હિન્દૂ પરિષદ ઓફ અમેરિકા (VHPA) દ્વારા લેવામાં આવી છે. આ સંસ્થાએ જ અમેરિકામાં વસતાં હિન્દૂઓને વિનંતી કરી છે કે તેઓ રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા પ્રસંગની ઉજવણી રૂપે પોતપોતાનાં ઘરમાં ઓછામાં ઓછા પાંચ દીવડા પ્રગટાવે. ઉજવણી કરવા માટે હિન્દૂ અમેરિકનોમાં ભારે ઉત્સાહ પ્રવર્તે છે. ઘણા અમેરિકન-ભારતીયો ઐતિહાસિક પ્રસંગ નિહાળવા માટે અયોધ્યા જવા વિચારે છે.