શ્રીલંકા: રાષ્ટ્રપતિ સિરિસેના અને તેના સમર્થકોએ સંસદમાં સ્પીકરનો ઘેરાવ કર્યો

કોલંબો- શ્રીલંકાની સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ હારી ગયેલા વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે વર્તમાન રાજકીય સંકટનું સમાધાન લાવવા ચૂંટણીની માગણી કરી રહ્યા છે. જેને લઈને આજે શ્રીલંકાની સંસદમાં જોરદાર હોબાળો થયો હતો. વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે અને તેના સમર્થકોએ સંસદમાં સ્પીકરનો ઘેરાવ કર્યો હતો.સંસદમાં હોબાળાની સ્થિતિ એ સમયે શરુ થઈ જ્યારે સ્પીકર કારુ જયસુર્યાએ યુનાઈટેડ નેશનલ પાર્ટીના ઉપાધ્યક્ષ રાનિલ વિક્રમાસિંઘેની પાર્ટીનો એ અનુરોધ માન્ય રાખ્યો કે મહિન્દ્રા રાજપક્ષે દ્વારા કરવામાં આવેલી નવી ચૂંટણીની માગણી પર સંસદનો અભિપ્રાય લેવો જોઈએ.

શ્રીલંકાની રાજનીતિમાં છેલ્લા કેટલાક સમયથી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યાં છે. સિરિસેનાએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને બરતરફ કરી મહિન્દ્રા રાજપક્ષેની નિમણૂંક કરી હતી. તે પછી વિક્રમસિંઘેએ સંસદમાં બહુમતી સાબિત કરવા કરેલા દાવા અનુસંધાને સ્પીકર તેમને તક આપવા તૈયાર થયા હતા. પરંતુ તે પછી સિરિસેનાએ સંસદનું વિસર્જન કરી નાખ્યુ હતું.

સંસદનું વિસર્જન કરવાના સિરિસેનાના નિર્ણયને ઉલટાવતાં શ્રીલંકા સુપ્રીમ કોર્ટે તેના પર 7 દિવસ સુધી રોક લગાવી દેવા સાથે પાંચમી જાન્યુઆરીએ થનારી મધ્યસત્રીય ચૂંટણીની તૈયારીઓ પણ સ્થગિત કરવા જણાવ્યું છે. અંતિમ નિર્ણય આપતા પહેલાં કોર્ટે આવતા મહિને પ્રમુખના નિર્ણય વિરુદ્ધ દાખલ થયેલી તમામ અરજીઓ પર વિચારણા કરાશે એમ જણાવ્યું છે.