સાઉદીના 5 અધિકારીઓને થઈ શકે છે મોતની સજા

રિયાદ: પત્રકાર જમાલ ખશોગીની હત્યા મામલે સાઉદીના પાંચ અધિકારીઓને મોતની સજા ફટકારવામાં આવે તેવી શક્યતા છે. ઈસ્તાંબુલ સ્થિત સાઉદીના વાણિજ્ય દૂતાવાસની અંદર ખશોગીની હત્યા કરવામાં આવી હતી. પ્રોસિક્યુટર્સે આ મામલે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને ક્લીન ચિટ આપતા કહ્યું કે, તે આ ઘટનામાં સામેલ નથી.

ખશોગીની હત્યાને લઈને વિશ્વના ઘણા દેશો સાઉદી સરકાર પર દબાણ વધારી રહ્યાં હતાં. જમાલ ખશોગી વોશિગ્ટન પોસ્ટના સ્તંભકાર હોવાની સાથે સાથે સાઉદી શાહના મોટા આલોચક પણ હતાં. જમાલને તેમના લગ્નના ડોક્યુમેન્ટ અર્થે 2 ઓક્ટોબરે છેલ્લી વખત વાણિજ્ય દૂતાવાસમાં જતાં જોવામાં આવ્યા હતાં. ત્યારે બાદ તેમની હત્યા કરી દેવામાં આવી.

સરકારી પ્રોસિક્યુટર્સના પ્રવક્તાએ કહ્યું કે, ખશોગીને નશીલી દવા આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેમના શરીરના ટુકડા કરી નાંખવામાં આવ્યાં હતાં. વધુમાં જણાવ્યું કે, ખશોગીના મૃત શરીના ટુકડા વાણિજ્ય દૂતાવાસની બહાર એક એજન્ટને આપવામાં આવ્યાં હતાં. હત્યા અંગે પ્રિન્સ મોહમ્મદને કોઈ જાણકારી ન હતી.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સાઉદી અરબના ગુપ્તચર વિભાગના ડેપ્યુટી હેડ, જનરલ અહમદ અલ-અસીરીએ ખાશોગીને દેશમાં લાવવાનો આદેશ આપ્યો હતો, અને જે ટીમ ઈસ્તાંબુલ કૉન્સ્યુલેટમાં ગઈ હતી  તેના વડાએ હત્યા કરવાનો આદેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે ખશોગીની દૂતાવાસની અંદર હત્યા કરવાની વાતનો સાઉદી સરકારે પહેલા ઈન્કાર કર્યા હતો, પરંતુ પાછળથી તેને સ્વીકાર્યું હતું કે, ખશોગીની હત્યા કરી દેવામાં આવી છે. સરકારી સમાચાર એજન્સી એસપીએ દ્વારા જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, સરકારી વકીલે હત્યામાં સામેલ પાંચ લોકોની મોતની સજા માંગી છે.

હત્યાના મામલે કુલ 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ તુર્કીએ ગત બુધવારે હ્ત્યાને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસની માગ કરી હતી.