શ્રીલંકા: સંસદનો ઐતિહાસિક નિર્ણય, રાષ્ટ્રપતિ સિરિસેનાને મોટો ઝાટકો

કોલંબો- શ્રીલંકાની સંસદે આજે નવા વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષેની સરકાર વિરુદ્ધ મતદાન કરીને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેના કારણે રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને મોટો ઝાટકો લાગ્યો છે. સંસદના સ્પીકરે જાહેરાત કરી હતી કે સંસદે વડાપ્રધાન રાજપક્ષે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને મંજૂરી આપી છે. સ્પીકરે રાજપક્ષે સમર્થકોના વિરોધ વચ્ચે જાહેરાત કરતા કહ્યું કે, હું સ્વીકારું છું કે સરકાર પાસે બહુમત નથી.આ અગાઉ પણ શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસેનાને તે સમયે મોટો ઝાટકો લાગ્યો હતો જ્યારે શ્રીલંકન સુપ્રીમ કોર્ટે સંસદ ભંગ કરવાના તેમના નિર્ણયને બદલીને પાંચ જાન્યુઆરીની પ્રસ્તાવિત વચગાળાની ચૂંટણીની તૈયારીઓ પર પૂર્ણ વિરામ મૂકી દીધુ હતું. આ નિર્ણયથી શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને મોટો ટેકો મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકન રાષ્ટ્રપતિએ વિવાદાસ્પદ પગલું ઉઠાવતા કાર્યકાળ પૂરો થવાના લગભગ 2 વર્ષ પહેલા જ સંસદ ભંગ કરી નાખી હતી. શ્રીલંકન સુપ્રીમ કોર્ટે કહ્યું કે સંસદ ભંગ કરવાનો સિરિસેનાનો નિર્ણય સાત ડિસેમ્બર સુધી પેન્ડિંગ રહેશે અને કોર્ટ આગામી મહિને કોઈ અંતિમ વ્યવસ્થા આપતા અગાઉ રાષ્ટ્રપતિના નિર્ણય સંલગ્ન તમામ અરજીઓ પર વિચાર કરશે.

શ્રીલંકન સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અર્થ એ થયો કે, સંસદ બોલાવી શકાય છે અને 225 સદસ્યોવાળી સંસદમાં રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત વડાપ્રધાન મહિન્દ્રા રાજપક્ષે પાસે બહુમત છે કે નહીં તે અંગે શક્તિ પરિક્ષણ કરાવી શકાય છે. કોર્ટના ચુકાદા બાદ સંસદ અધ્યક્ષ કારુ જયસૂર્યાએ સંસદનું સત્ર બોલાવ્યું હતું.