ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની કોર્ટે આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદને ટેરર ફન્ડીંગના મામલામાં દોષી જાહેર કર્યો છે. અદાલતે આતંકી પ્રમુખ અને મુંબઈ 26-11 હુમલાના માસ્ટમાઈન્ડ હાફિઝ સઈદને 5 વર્ષની સજા સંભળાવી છે. લાહોરની આતંકવાદ વિરોધી કોર્ટના ન્યાયાધિશ અરશદ હુસૈન ભુટ્ટાએ જમાત-ઉદ-જાવાના પ્રમુખ હાફિઝ સઈદ વિરુદ્ધ આતંકી ગતિવિધીઓ માટે ફન્ડીંગ કરાવવાના બે મામલામાં ગુરૂવારે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અદાલતે આ સજા ફાયનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ દ્વારા પાકિસ્તાનને બ્લેક અથવા ગ્રે લિસ્ટ કરે તેના બે દિવસ પહેલા જ સંભળાવી છે.
અધિકારી અનુસાર, અભિયોજન પક્ષે અદાલતમાં સઈદ અને તેના સહયોગીઓને આતંકી ગતિવિધી માટે ફંડ અપાવવાના આરોપને સાબિત કરવા માટે 20 સાક્ષીઓને રજૂ કરવામાં આવ્યા હતા. સઈદને કડક સુરક્ષા વચ્ચે અદાલતમાં લાવવામાં આવ્યો હતો.
તેમણે જણાવ્યું કે, બચાવ પક્ષે 30 જાન્યુઆરીએ જ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો અને અબિયોજન પક્ષે ગુરૂવારે અદાલતમાં વધુ તર્ક અને પૂરાવા રજૂ કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, સઈદ વિરુદ્ધ પંજાબના આતંકવાદી વિરોધી વિભાગે લાહોર અને ગુજરાવાલામાં આ મામલો નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2012માં અમેરિકાએ સઈદને વૈશ્વિક આતંકવાદી જાહેર કરતા તેના નામ પર કરોડ ડોલરની ઈનામી રકમ જાહેર કરી હતી. હાફિઝ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ છે.
પાકિસ્તાનની આતંકવાદ વિરોધી અદાલતે ટેરર ફન્ડીંગ કેસમાં સઈદ અને તેના સાથીઓ વિરુદ્ધ 23 એફઆઈઆર નોંધી હતી અને 17 જુલાઈએ તેની ધરપકડ કરવામાં આવી હતી. સઈદને લાહોરની કોટ લખપત જેલમાં રાખવામાં આવ્યો છે.