વોશિંગ્ટનઃ ગૂગલ કંપનીએ જણાવ્યું છે કે ભારતમાં હાલ કોરોનાવાઈરસ રોગચાળાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશને મદદરૂપ થવા માટે તેણે ભારતમાંની નોન-પ્રોફિટ સંસ્થાઓ માટે ભંડોળ એકત્ર કરવા માટે તેની આંતરિક સખાવત ઝુંબેશ અંતર્ગત 46 લાખ ડોલર (રૂ.33 કરોડ) એકત્ર કર્યા છે.
ગૂગલની આ ઝુંબેશના ભાગરૂપે જે સેવાભાવી સંસ્થાઓને સામેલ કરવામાં આવી છે એમાં ગિવઈન્ડિયા, ચેરિટીઝ એડ ફાઉન્ડેશન ઈન્ડિયા, ગૂંજ, યૂનાઈટેડ વે ઓફ મુંબઈ જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. ગૂગલે ભારતને ઓક્સિજન તથા કોરોના ટેસ્ટિંગ સાધનો સહિત તાકીદનો મેડિકલ પુરવઠો મેળવવામાં મદદરૂપ થવા માટે ગયા મહિને રૂ. 135 કરોડના ભંડોળની જાહેરાત કરી હતી.
