નારાયણમૂર્તિથી વિરુદ્ધ ગેટ્સનો આઇડિયાઃ ત્રણ દિ કામ, ચાર દિ આરામ

નવી દિલ્હીઃ છેલ્લા કેટલાક દિવસો પહેલાં દેશ નહીં, વિદેશમાં પણ એક મુદ્દો ચર્ચાનું કારણ બન્યો હતો. IT કંપનીના સંસ્થાપક એન. આર. નારાયણમૂર્તિએ એક કાર્યક્રમમાં સપ્તાહમાં 70 કલાક કામ કરવાની વાત કહી હતી. જ્યારે આ મુદ્દે ચર્ચા ચાલુ થઈ ગઈ હતી. હવે વિશ્વના ચોથા ક્રમાંકના શ્રીમંત વ્યક્તિ બિલ ગેટ્સે નારાયણમૂર્તિના નિવેદનથી બિલકુલ વિરુદ્ધ આઇડિયા આપ્યો છે. તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ને લઈને વાત કરતાં કહ્યું છે કે એને કારણે મનુષ્યોના કામ કરવાનો સમય ઓછો થઈ જશે.

માઇક્રોસોફ્ટના સહસંસ્થાપક બિલ ગેટ્સે કહ્યું હતું કે ભવિષ્યમાં એવું ક્યારેય નહીં થાય કે કોઈ ટેક્નોલોજી મનુષ્યોની જગ્યા લઈ લે, પણ એની મદદથી પ્રોફેશનલ લોકોનો સપ્તાહમાં  કામ કરવાના સમયમાં ઘટાડો થશે. તેમણે કહ્યું હતું કે AIની મદદથી મનુષ્યોને સપ્તાહમાં ત્રણ દિવસ કામ અને ચાર દિવસ આરામ કરવાનું ચલણ શરૂ થશે.તેમણે વધુમાં કહ્યું હતું કે આવનારા સમયમાં AIને સમાજ સંપૂર્ણ રીતે અપનાવી લેશે. મનુષ્યોનું જીવન માત્ર નોકરી કરવા માટે જ નથી, પણ રચનાત્મક કાર્યો માટે પણ AIને લગાવવું જોઈએ. AIની મદદથી સપ્તાહમાં વ્યક્તિ કામ કરીને એના માટે સમય કાઢી શકે છે અને કદાચ એ યોગ્ય રહેશે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે આવનારા ભવિષ્યમાં એવું થશે કે મશીનોની જરૂરિયાત વધી જશે, પણ AI કોઈ પણ પ્રકારથી મનુષ્યોની નોકરીઓને ખાશે નહીં, પણ એને હંમેશાં માટે બદલી કાઢશે. લોકોની પાસે વધુ સમય હશે ને લોકો પોતાના માટે અને પોતાનાઓ માટે સમય કાઢી શકશે, એમ તેમણે કહ્યું હતું.