ન્યૂયોર્કઃ અમેરિકાસ્થિત અગ્રગણ્ય સોશિયલ મિડિયા કંપની ફેસબુકના ચીફ એક્ઝિક્યૂટિવ ઓફિસર માર્ક ઝુકરબર્ગે જાહેરાત કરી છે કે કંપની હવેથી ‘મેટા’ નામથી ઓળખાશે. રીબ્રાન્ડની યોજના અંતર્ગત ફેસબુકે પોતાનું નામ બદલ્યું છે અને નવો લોગે પણ ઘોષિત કર્યો છે. 38 વર્ષીય ઝુકરબર્ગે આનો સંકેત અગાઉ આપ્યો જ હતો કે તેઓ ‘મેટાવર્સ’ની સ્થાપના કરી રહ્યા છે. ‘મેટાવર્સ’ને વર્ચ્યુઅલ વાસ્તવિક્તા (રિયાલિટી)-આધારિત પ્લેટફોર્મ ફેસબુકના ભાવિ દ્રષ્ટિકોણ તરીકે ગણવામાં આવ્યું છે. ફેસબુક કંપનીનું કોર્પોરેટ માળખું યથાવત્ રહેશે. જેમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર પ્લેટફોર્મનો સમાવેશ કરાયો છે. બોર્ડ પરનાં સભ્યો પણ યથાવત્ રહેશે. ફેસબુક તેની વર્ચ્યુઅલ દુનિયા ‘મેટાવર્સ’ માટે આ વર્ષે 10 અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાની છે.
શું છે મેટાવર્સ?
મેટાવર્સ એટલે ઈન્ટરનેટ ટેક્નોલોજીના માધ્યમ સાથેની એક કાલ્પનિક દુનિયા, વર્ચ્યુઅલ દુનિયા, જે અનંત છે. તેમાં લોકો 3-D ટેક્નોલોજીના ઉપયોગ સાથે એકબીજા સાથે વ્યાપક રીતે વર્ચ્યુઅલી કનેક્ટ થઈ શકે છે અને એકબીજાને મળી શકે છે, કામ કરી શકે છે, રમી શકે છે, પ્રવાસ પણ કરી શકે છે – પરંતુ ડિજિટલી. એ માટે વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ, ઓગ્મેન્ટેડ રિયાલિટી ગ્લાસ (ચશ્મા), સ્માર્ટફોન એપ્સ અથવા અન્ય ડિવાઈસીસનો ઉપયોગ કરવાનો હોય છે. મતલબ, દુનિયાભરમાં સામાજિક સંપર્ક (સોશિયલ કનેક્ટિવિટી)માં નવી ક્રાંતી આવશે. આ ટેક્નોલોજીનો મુખ્ય ઉદ્દેશ્ય માનવજાત માટે વર્ચ્યુઅલ સંપર્કને વધારે સુવિધાજનક બનાવવાનો છે.
વર્ચ્યુઅલ અને ઓગમેન્ટેડ રિયાલિટી (AR) જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ફેસબુકનું નવા વર્ચ્યુઅલ અનુભવનું એક નવું ચરણ હશે. કંપની પોતાની ફેસબુક રિયાલિટી લેબ્સના વિકાસ માટે અબજો ડોલરનો ખર્ચ કરવાની છે, જેમાં ‘મેટાવર્સ’ વિભાગને AR અને VR (વર્ચ્યુઅલ રિયાલિટી) હાર્ડવેર, સોફ્ટવેર અને કન્ટેન્ટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ‘મેટાવર્સ’ શબ્દનો ઉપયોગ ડિજિટલ જગતમાં વર્ચ્યુઅલ, ઈન્ટરેક્ટિવ સ્પેસને સમજાવવા માટે કરાય છે. ‘મેટાવર્સ’ વાસ્તવમાં એક વર્ચ્ચુઅલ દુનિયા છે જ્યાં એક માનવી કોઈ જગ્યાએ શારીરિક રીતે હાજર ન હોવા છતાં પણ ત્યાં હાજર રહી શકે છે. એને માટે વર્ચ્યુઅલ રિયાલિટી ટેક્નોલોજીનો ઉપયોગ કરાય છે. સોશિયલ નેટવર્કને ‘મેટાવર્સ’ બનાવવામાં મદદરૂપ થવા માટે ફેસબુક કંપનીએ 10,000 લોકોને કામ પર રાખ્યા છે.
Announcing @Meta — the Facebook company’s new name. Meta is helping to build the metaverse, a place where we’ll play and connect in 3D. Welcome to the next chapter of social connection. pic.twitter.com/ywSJPLsCoD
— Meta (@Meta) October 28, 2021