ઉત્તર-કોરિયામાં બેરોજગારી, ભૂખમરાનું સંકટઃ મોંઘવારીનો માર

પ્યોંગયાંગઃ ઉત્તર કોરિયામાં બેરોજગારી અને ભૂખમરાનું સંકટ સતત વધતું જાય છે અને લોકો ભરપેટ ખાવા માટે તરસી રહ્યા છે તો બીજી બાજુ સપ્લાયની અછતને લીધે ખાણીપીણીની કિંમતો આસમાને પહોંચી છે. આ ઉપરાંત ઉત્તર કોરિયાની જનતાની મદદ કરવાને બદલે તાનાશાહ કિમ જોંગ ઉને આદેશ કર્યો હતો કે તેઓ વર્ષ 2025 સુધી ખાવાનું ઓછું ખાય. કિંમ જોંગ ઉને ખાદ્યાન્ન સંકટ માટે અનેક કારણોને જવાબદાર ઠેરવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે લોકો માટે ખાદ્યાન્નનું સંકટ ચિંતાજનક થઈ ગયું છે.

આમ તો ઉત્તર કોરિયામાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ખાવાની અછત સામાન્ય વાત થઈ ગઈ છે. એક અહેવાલ મુજબ દેશ પાસે માત્ર બે મહિનાનો ખોરાક બચ્યો છે.

ઉત્તર કોરિયામાં ખાંડ, સોયાબિન ઓઇલ અને ઓઇલ અને લોટની કિંમતો સતત વધી રહી છે. અહીં એક કિલો મકાઈની કિંમત રૂ. 3137 વોન સુધી પહોંચી છે. એ રૂ. 200 પ્રતિ કિલો બરાબર છે. નોર્થ કોરિયોમાં મોંઘવારીનો માર જબરદસ્ત છે. અહીં કોફી પ્રતિ કિલો રૂ. 7300, ચાનો ભાવ પ્રતિ કિલો રૂ. 5100, શેમ્પુની બોટલ રૂ. 14,000, કેળાં પ્રતિ કિલો રૂ. 3300 છે.

દેશમાં ખોરાકની અછતનું મહત્ત્વનું કારણ કોરોના રોગચાળાને કારણે લાગેલા પ્રતિબંધો છે. સીમા બંધ હોવાને કારણે દેશ ખાદ્ય સામગ્રી મદદ હાંસલ નથી કરી શકતો. નોર્થ કોરિયાને સૌથી વધુ મદદ ચીનથી મળે છે. રોગચાળાને લીધે ચીનથી ઉત્તર કોરિયામાં ખાદ્ય સામગ્રીની નિકાસ 80 ટકા ઘટી ગઈ છે. ઓક્ટોબર, 2021ને પૂરો થતા સુધી ઉત્તર કોરિયાને ભૂખમરાનો સામનો કરવો પડી શકે છે. અહીં ફર્ટિલાઇઝરનું પણ ગંભીર સંકટ છે. નોર્થ કોરિયામાં 1981 પછી એપ્રિલથી સપ્ટેમ્બર, 2020 દરમ્યાન સૌથી વરસાદ વરસ્યો હતો. અહેવાલ મુજબ ચક્રવાતથી 40,000 હેક્ટર પાક અને આશરે 16,680 ઘર બરબાદ થયા છે.