સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમના બોર્ડમાં ઇશા અંબાણીનો સમાવેશ

મુંબઈઃ રિલાયન્સની પેટા કંપની રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (જિયો)નાં ઇશા અંબાણી ડિરેક્ટર છે. ઈશા અંબાણીનો સ્મિથસોનિયન્સ નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

અંબાણી રિલાયન્સ રિટેલ અને જિયોના બ્રાન્ડિંગ ગ્રાહક અનુભવ અને માર્કેટિંગનું સંચાલન કરે છે. ફેશન પોર્ટલ Ajio.com શરૂ કરવા પાછળ પણ તેમનું પ્રેરણાબળ મુખ્ય હતું, આ ઉપરાંત તેઓ ઇકોમર્સ સાહસ જિયોમાર્ટની દેખરેખ પણ રાખે છે, જેનો ઉદ્દેશ નાના અને મધ્યમ વ્યવસાયોમાં ઇકોમર્સની શક્તિ લાવવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન અન્ય બાબતો ઉપરાંત ભારતના સાંસ્કૃતિક વારસાનું રક્ષણ અને પ્રોત્સાહન આપવા, ભારતીય કલાને ઉન્નત કરવા અને વૈશ્વિક કળાને ભારતમાં લાવવાનો પ્રયાસ કરે છે. કળાની પહોંચના સાર્વત્રિકરણ માટે પ્રતિબદ્ધ અંબાણીને ભારતીય કલા પ્રત્યે ઊંડો પ્રેમ છે અને તે કળાને નવા પ્રેક્ષકો સુધી પહોંચાડવાનો જુસ્સો છે.

સ્મિથસોનિયન્સ બોર્ડ ઓફ રિજન્ટ દ્વારા 23 સપ્ટેમ્બરે અમલી બને એ રીતે ઉપરોક્ત તમામ સભ્યોની ચાર વર્ષની વ્યક્તિગત મુદ્દતને મંજૂરી આપી હતી. રિજન્ટ્સના બોર્ડના 17 સભ્યોમાં અમેરિકાના સર્વોચ્ચ ન્યાયાધીશ, અમેરિકાના ઉપ-પ્રમુખ, અમેરિકાની સેનેટના ત્રણ સભ્યો, અમેરિકાના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના ત્રણ સભ્યો તથા નવ નાગરિકોનો સમાવેશ થાય છે.

આ નવી નિમણૂકો ઉપરાંત મ્યુઝિયમના ટ્રસ્ટીમંડળના અધ્યક્ષ તરીકે એન્ટોઇન વાન અગત્માઇલનો કાર્યકાળ ઓક્ટોબર 2023 સુધી લંબાવવામાં આવ્યો હતો. ડો. વિજય આનંદને બોર્ડના વાઇસ ચેર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા અને રાજદૂત પામેલા એચ. સ્મિથને બોર્ડના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટ બોર્ડમાં નવા અને પુનઃનિમણૂક પામેલા હોદ્દેદારોની નિમણૂકનું પ્રયોજન એ છે કે મ્યુઝિયમ 2023માં તેની સ્થાપનાનાં 100 વર્ષની સીમાચહ્નરૂપ સિદ્ધિની ઉજવણી ઉપરાંત તેને આગામી સદી માટે સજ્જ બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જે મ્યુઝિયમની અસર અને પહોંચને ઓનસાઇટ અને ઓનલાઇન એમ બંને માધ્યમમાં વ્યાપક અને મજબૂત બનાવશે.

મ્યુઝિયમના ડેમ જિલિયન સેક્લર ડિરેક્ટર ચેઝ એફ. રોબિન્સને જણાવ્યું હતું કે મ્યુઝિયમ અને સ્મિથસોનિયનમાંના મારા સહયોગીઓ વતી હું આ લબ્ધપ્રતિષ્ઠિત નવા સભ્યોનું સ્વાગત કરીને તથા તેમની નિમણૂક કરવા બદલ અમારા અધિકારીઓને અભિનંદન પાઠવીને આનંદની લાગણી અનુભવું છું.

2023માં આપણે આપણાં સો વર્ષની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આ પ્રતિભાશાળી નવા સભ્યો અને અધિકારીઓનું વિઝન અને જુસ્સો આપણા કલેક્શન અને કુશળતાને વધુ સુલભ અને આકર્ષક બનાવવા, અમારા સંગ્રહને વિસ્તૃત કરવા અને એશિયન કલાઓ અને સંસ્કૃતિઓને સમજવા અને ઉજવણી કરવામાં અન્ય લોકો સાથે જોડાવાના અમારા પ્રયાસોને વેગ આપશે, હું ટ્રસ્ટીઓ સાથે કામ કરવા અને તેમની સેવા માટે આભાર વ્યક્ત કરવા આતુર છું, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]