નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ‘લીડર ફોર પીસ’ વિષય પર થયેલી ખુલ્લી ચર્ચામાં ભારતે પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે. ભારતના જવાબથી ભરેલી બેઠકમાં પાકિસ્તાનનો ભારે ફજેતો થયો છે. ભારતે પાકિસ્તાનને આતંકનું ગ્લોબલ સેન્ટર ગણાવ્યું અને કાશ્મીર તથા લદ્દાખને ભારતના અવિભાજ્ય અંગ તરીકે સ્પષ્ટ કર્યું છે. એ સાથે જ સિંધુ જળ કરાર અંગે પણ ભારતે ખુલ્લેઆમ જણાવ્યું હતું કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પર આતંકને સમર્થન આપવાનું બંધ નહીં કરે, ત્યાં સુધી આ સંધિ પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે અને તેને સસ્પેન્ડ જ રાખવામાં આવશે.
કાશ્મીર, લદ્દાખ અવિભાજ્ય અંગ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ, રાજદૂત હરીશ પરવથનેનીએ જમ્મુ-કાશ્મીરના વણઉકેલાયેલા વિવાદોને લઈને ઇસ્લામાબાદના દાવાઓને આધારહીન ગણાવીને આકરા શબ્દોમાં નકારી કાઢ્યા. તેમણે પુનરુચ્ચાર કર્યો હતો કે કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ સહિત જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અને અવિભાજ્ય હિસ્સો છે અને એ વાત પર ભાર મૂક્યો હતો કે તેઓ ભારતના અવિભાજ્ય અંગ હતાં, છે અને હંમેશાં રહેશે. તેમણે પાકિસ્તાનને આતંકનું ગ્લોબલ સેન્ટર ગણાવ્યું. હરીશ પરવથનેનીએ પાકિસ્તાન પર સંયુક્ત રાષ્ટ્રના મંચનો ઉપયોગ કરીને ભારત અને તેના લોકોને નુકસાન પહોંચાડવાના પોતાના ઝનૂની એજન્ડાને આગળ ધપાવવાનો આરોપ પણ લગાવ્યો હતો.
પાકિસ્તાનનો એજન્ડા વિભાજનકારી
તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન વિભાજનકારી એજન્ડા અપનાવીને UNSCના બિનસ્થાયી સભ્ય તરીકે પોતાની આંતરરાષ્ટ્રીય જવાબદારીઓને નબળું કરી રહ્યું છે. આતંકવાદને પ્રોત્સાહન આપવાના પાકિસ્તાનના લાંબા ઇતિહાસ પર પ્રકાશ પાડતાં તેમણે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કરવાનો ભારતનો નિર્ણય મજબૂતીથી બચાવ્યો હતો.
Pakistan is a “global epi-centre of terror”, need to “credibly and irrevocably end its support for cross-border and all other forms of terrorism”, @IndiaUNNewYork @AmbHarishP tells UNSC pic.twitter.com/D4zMrIGD4x
— Sidhant Sibal (@sidhant) December 15, 2025
તેમણે કહ્યું હતું કે ભલે ભારતે 65 વર્ષ પહેલાં સદભાવનાના ભાવથી આ સંધિ કરી હતી, પરંતુ પાકિસ્તાને ત્રણ યુદ્ધો શરૂ કરીને અને ભારત સામે હજારો આતંકી હુમલાઓ કરીને તેની ભાવનાનો વારંવાર ભંગ કર્યો છે. એપ્રિલ, 2025ના પહેલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે આ ઘટના આતંકવાદને પાકિસ્તાનના સતત સમર્થનનું ભયાનક ઉદાહરણ છે. પહેલગામમાં ધર્મ પૂછીને ટાર્ગેટેડ હુમલો કરવામાં આવ્યો અને 26 નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી.




