મોદી પોપને મળ્યા, એમને ભારત-આવવાનું આમંત્રણ આપ્યું

વેટિકન સિટી (ઈટાલી): દુનિયાના ટોચના 20 સમૃદ્ધ દેશોના બનેલા ગ્રુપ ઓફ 20 (G20)ના વડાઓના 16મા અને બે-દિવસીય (30, 31 ઓક્ટોબરના) શિખર સંમેલનમાં હાજરી આપવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઈટાલીના પાટનગર રોમ આવ્યા છે. શિખર સંમેલન પૂર્વે આજે વડા પ્રધાન મોદી રોમની મધ્યમાં આવેલા સ્વતંત્ર શહેર-રાષ્ટ્ર વેટિકન સિટીની મુલાકાતે ગયા હતા અને ત્યાં રોમન કેથલિક સમુદાયના ધાર્મિક વડા પોપ ફ્રાન્સિસને મળ્યા હતા. પોપ સાથે મોદીની મુલાકાત માત્ર 20 મિનિટની નક્કી કરાઈ હતી, પણ તે એક કલાક સુધી ચાલી હતી. બંનેએ ગરીબી નિવારણ, પર્યાવરણ કટોકટી જેવા વિષયો પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન મોદીએ પોપ ફ્રાન્સિસને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. પોપ ફ્રાન્સિસે વડા પ્રધાન મોદી સાથે હાથ મિલાવ્યા હતા અને એમને ભેટ્યા પણ હતા.

મોદીની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ અને વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ હતા. પોપને મળ્યા બાદ પીએમ મોદી વેટિકન સિટીથી રોમ તરફ રવાના થયા હતા. વેટિકન સિટી સ્વતંત્ર શહેર-રાષ્ટ્ર છે. તેની આસપાસ રોમ શહેર છે. રોમન કેથલિક સમુદાયનું આ મુખ્યાલય ગણાય છે. રોમન કેથલિક સમુદાયના ધાર્મિક વડા પોપનું આ નિવાસસ્થાન છે. આ સ્થળ 44 હેક્ટર જમીન પર પથરાયેલું છે.

(તસવીર સૌજન્યઃ @PMOIndia)