દુબઈઃ કોરોના વાઈરસ રોગચાળા સામે લડી રહેલી ભારતીય મૂળની એક મહિલા ડોક્ટરની આંખોમાંથી એ સમયે ખુશીના આંસુ આવી ગયા હતા જ્યારે દુબઈ પોલીસના એક પોલીસ કર્મચારીએ તેમને સલામ કરી હતી. મૂળ હૈદરાબાદના વતની ડો. આયશા સુલ્તાના દુબઈના અલ અહલી સ્ક્રીનિંગ સેન્ટરમાં અત્યારે ફરજ પર તેનાત છે. મંગળવારે રાત્રે પોતાનું કામ પૂરું કરીને આયશા દુબઈ શારજાહ હાઈવેથી પોતાના ઘર તરફ જતાં હતાં ત્યારે પોલીસે તેમની ગાડીને રોકી હતી. પોલીસે તેમની પાસેથી દસ્તાવેજો માંગવાને બદલે કોરોના મહામારીમાં પોતાનો જીવ જોખમમાં નાંખીને સેવા બજાવવા બદલ એમને સેલ્યુટ કર્યું હતું. એ જોઈને આયશાની આંખોમાંથી હર્ષનાં આંસુ આવી ગયા હતા.
ડો. સુલ્તાનાએ જણાવ્યું કે, જ્યારે પોલીસે મને રોકી તો પહેલા તો હું ગભરાઈ ગઈ હતી. તે ગાડીના ડોક્યુમેન્ટ્સ સાથે કર્ફ્યુ પાસ અને વર્ક પરમીટ બતાવવાની તૈયારી કરી હતી. ત્યાં જ બહાર ઉભેલા એક પોલીસ કર્મચારીએ તેમને સેલ્યુટ કર્યું હતું. એ જોઈને આયશા ભાવુક થઈ ગયા હતા અને રડી પડ્યા હતા. ડોક્ટરે જણાવ્યું કે, એ જોઈને મારો કામનો બોજ અને થાક બન્ને ઉતરી ગયા.
ડોક્ટરે ટ્વીટ કર્યું કે, યૂએઈની નાગરિક બન્યા બાદથી મારા જીવનનો આ સૌથી મોટો દિવસ છે. મને બહુ જ ખુશી થઈ રહી છે કે હું અહીંયા લોકો માટે કામ કરી રહી છું. હું એ પોલીસ કર્મચારીને ઓળખી ન શકી કારણકે તેમણે માસ્ક પહેર્યું હતું પરંતુ હું તેમનો આભાર માનું છું.