કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચેની લડાઈનો આજે 16મો દિવસ છે. યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સ્કીએ રશિયાના આરોપોનું ખંડન કર્યું હતું કે યુક્રેન રાસાયણિક હુમલાઓની યોજના બનાવી રહ્યું છે. યુક્રેન કોઈ જૈવિક રાસાયણિક હથિયાર અથવા અન્ય પ્રકારનાં સામૂહિક વિનાશનાં હથિયાર વિકસિત નથી કર્યાં, એમ તેમણે કહ્યું હતું.
રાષ્ટ્રને સંબોધન કરતાં તેમણે કહ્યું હતું કે હું એક દેશના લોકો રાષ્ટ્રપતિ છું અને બે બાળકોનો પિતા પણ છું. મારી જમીન પર કોઈ વિનાશકારી હથિયાર વિકસિત નથી કરવામાં આવ્યાં. જો રશિયા અમારી સામે આવાં હથિયારોનો ઉપયોગ કરશે તો એને ગંભીર પ્રતિબંધોનો સામનો કરવો પડશે.
ઝેલેન્સ્કીનું આ નિવેદન રશિયાન મિડિયાના અહેવાલો પછી આવ્યું છે કે યુક્રેન પ્લુટોનિયમ આધારિત ડર્ટી બોમ્બ ન્યુક્લિયર હથિયાર બનાવવાની નજીક છે. આ અહેવાલોમાં સૂત્રોનું નામ જ નહોતું દેવામાં આવ્યું, જેમાં દાવા માટે કોઈ પુરાવા નહોતા આપવામાં આવ્યા.
રશિયાની ન્યૂઝ એજન્સીઓએ ગયા સપ્તાહે જણાવ્યું હતું કે યુક્રેન નષ્ટ થયેલા ચેર્નોબ્લ ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પરમાણુ હથિયારો વિકસિત કરી રહ્યું છે, જેને 2000માં બંધ કરવામાં આવ્યો હતો.
આ પહેલાં યુક્રેને કહ્યું હતું કે સોવિયેત સંઘના તૂટ્યા પછી 1994માં પરમાણુ હથિયારો છોડ્યા પછી ન્યુક્લિયર ક્લબમાં ફરીથી સામેલ થવાની એની કોઈ યોજના નથી. ઝેલેન્સ્કીએ જર્મન ન્યૂઝપેપરને જણાવ્યું હતું કે પુતિન પરમાણુ હથિયારો વાપરે એવી સંભાવના નથી. હત્યારા હોવું એક વાત છે અને આત્મઘાતી હોવું બીજી વાત છે, એમ તેમણે કહ્યું હતું.