‘જૂનાગઢ પાકિસ્તાનનું હતું અને રહેશે’: જૂનાગઢના ‘નવાબ’નો ‘બકવાસી દાવો’

રાવલપિંડીઃ પાકિસ્તાનમાં રહેતા જૂનાગઢના ભૂતપૂર્વ નવાબના ત્રીજી પેઢીના વંશજ જહાંગીર ખાનએ પુનરોચ્ચાર કર્યો છે અને ભારતને ‘યાદ અપાવ્યું છે’ કે જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ હતું અને ચાલુ રહેશે. આ કહીને પોતાને જૂનાગઢના નવાબ કહેડાવતા જહાંગીર ખાને ગુજરાતના 33 જિલ્લાઓમાંના એક અને સમુદ્રકાંઠે વસેલા જૂનાગઢની સ્વતંત્રતા વિશે સવાલો ઉઠાવ્યા છે. જૂનાગઢના ભૂતપૂર્વ નવાબના વંશજો હાલ કરાચીમાં રહે છે.

સમાચાર સંસ્થા આઈએએનએસના અહેવાલ મુજબ, જહાંગીર ખાને કહ્યું છે કે, ‘જૂનાગઢ રાજ્યની સ્વતંત્રતા ભારત માટે પૂર્વનિર્ધારિત હતી. એ દિવસ દૂર નથી જ્યારે શાહી રાજ્ય પર પાકિસ્તાનનો ધ્વજ લહેરાશે. 1947માં જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માટેનો કરાર કરવામાં આવ્યો હતો તે છતાં એ મુસ્લિમ-શાસિત રાજ્ય છેલ્લા 74 વર્ષથી ભારતના ગેરકાયદેસર કબજામાં રહ્યું છે.’

ઉલ્લેખનીય છે કે બ્રિટિશ હકૂમત વખતે ભારતમાં 561 રાજા-રજવાડા હતા. જૂનાગઢ એમાંનું એક હતું. 1947ની 15 ઓગસ્ટે ભારતને બ્રિટિશરો તરફથી આઝાદી મળી તે પછી એ વખતે ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન અને ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે એ તમામ રજવાડાઓનું ભારતમાં વિલિનીકરણ કરાવ્યું હતું. જૂનાગઢમાં ત્યારે 80 ટકા હિન્દુઓની વસ્તી હતી. એ બધાં ભારતની સાથે રહેવા માગતા હતા. નાગરિકોનો મિજાજ જોઈને એ વખતના નવાબ મોહમ્મત મહાબત ખાનજીએ ઘણી ચાલબાજી કરી જોઈ હતી, પણ ફાવ્યા નહીં અને મોહમ્મદ અલી જિન્નાહ સાથે સમજૂતી કરીને પાકિસ્તાન ભાગી ગયા હતા.

જહાંગીર ખાને 2021ના સપ્ટેમ્બરમાં પણ જૂનાગઢનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આંતરરાષ્ટ્રીય મંચ પર ‘જૂનાગઢની મુક્તિ’નો મુદ્દો ઉઠાવવાની વિનંતી કરી હતી. એમણે કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને જૂનાગઢના મુદ્દે ચર્ચા કરવી જોઈએ અને વાટાઘાટ દ્વારા એનો શાંતિપૂર્વક રીતે ઉકેલ લાવવો જોઈએ.

મહાબત ખાનના ત્રીજા વંશજ જહાંગીર ખાન ભલે ગમે તેટલું બોલે, પણ કોઈને એમની આ વાતમાં રસ નથી.