USમાં આ વર્ષે ઐતિહાસિક હશે દિવાળીની ઉજવણી

ન્યુ યોર્કઃ અમેરિકામાં રહેતા ભારતીયો માટે આ વર્ષે દિવાળી ઐતિહાસિક થવાની છે. ઇતિહાસમાં સૌપ્રથમ વાર દિવાળીના તહેવારે ન્યુ યોર્કની સ્કૂલોમાં સત્તાવાર રજાની જાહેરાત કરવામાં આવી છે. અહીંની સ્કૂલોમાં દિવાળી ઊજવવા માટે પહેલી નવેમ્બરે બંધ રહેશે.

અમેરિકામાં રાષ્ટ્રપતિ જો બાઇડને 28 ઓક્ટોબરે વ્હાઇટ હાઉસમાં દિવાળી સમારોહનું આયોજન કર્યું હતું, જેમાં દેશભરના સાંસદો, અધિકારીઓ અને કોર્પોરેટ જગતના દિગ્ગજો સહિત 600થી વધુ પ્રતિષ્ઠિત ભારતીય અમેરિકી સામેલ થયા હતા. દિવાળી તહેવારથી પહેલાં અમેરિકામાં સૌથી ઊંચી બિલ્ડિંગ વર્લ્ડ ટ્રેડ સેન્ટરને ચમકતા રંગોથી શણગારવામાં આવ્યું છે, જે પ્રકાશના તહેવારની ઉજવણીને દર્શાવે છે. એક વિડિયોમાં વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં નારંગી, પીળા અને બ્લુ કલરના પ્રકાશથી એને પ્રકાશિત કરવામાં આવ્યું છે.

અમેરિકન રાજ્ય મિનેસોટામાં પ્રથમ વખત દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મિનેસોટાના ગવર્નર ટિમ વાલ્ઝ અને લેફ્ટનન્ટ ગવર્નર પેગી ફ્લાનિગને પણ આ દિવાળીના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

બીજી બાજુ, અમેરિકામાં પ્રવાસી ભારતીયોના સંગઠન એસોસિયેશન ઓફ ઈન્ડિયન્સ ઈન અમેરિકા (AIA)ના સહયોગથી આયોજિત દિવાળી કાર્યક્રમની શરૂઆત શાંતિ મંત્રોથી થઈ હતી. પરંતુ ખાસ વાત એ હતી કે આ મંત્રોનો અંગ્રેજીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ દરમિયાન રાજ્યપાલને ગણેશજીની મૂર્તિ પણ અર્પણ કરવામાં આવી હતી, જ્યારે લેફ્ટનન્ટ ગવર્નરને ભગવદ ગીતાની નકલ અર્પણ કરવામાં આવી હતી. મિનેસોટામાં રહેતા ભારતીયોની સંખ્યા અંદાજે 40,000 છે. અહીં ભારતીય અમેરિકન નાગરિકોના યોગદાનની પ્રશંસા કરતાં ગવર્નર ટિમ વાલ્ઝે કહ્યું કે મિનેસોટામાં ઐતિહાસિક રીતે સૌપ્રથમ વાર દિવાળી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રતિબિંબિત કરે છે. તે વિવિધતામાં એકતાનું પ્રતીક છે, જેમાં અમેરિકામાં રહેતા NRI મહત્વની ભૂમિકા ભજવે છે.