વોશિંગ્ટનઃ અમેરિકામાં ગયા વર્ષે યોજાઈ ગયેલી પ્રમુખપદની ચૂંટણીમાં હારી ચૂકેલા વર્તમાન પ્રમુખ અને રિપબ્લિકન પાર્ટીના નેતા ડોનાલ્ડ ટ્રમ્પના હિંસક સમર્થકોએ ગઈ કાલે રાતે અમેરિકાના સંસદભવન – કેપિટોલ બિલ્ડિંગ પર હલ્લો કર્યા બાદ, અસાધારણ અને અભૂતપૂર્વ અંધાધૂંધી ફેલાતાં સમગ્ર પાટનગર વોશિંગ્ટન ડીસીમાં રાતનો કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો હતો. સંસદના બંને ગૃહ – પ્રતિનિધિ સભા અને સેનેટમાં ઘૂસી હિંસા કરનાર તોફાની દેખાવકારોને ચોકિયાતોએ બળપૂર્વક હાંકી કાઢ્યા હતા. સુરક્ષા જવાનોને કેપિટોલ સંકુલમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. રમખાણમાં એક મહિલા દેખાવકારનું મોત નિપજ્યું છે તથા બીજા અનેક ઘાયલ થયા છે જેમાં કેટલાક પોલીસજવાનોનો પણ સમાવેશ થાય છે.
પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા નિવડેલા ડેમોક્રેટિક પાર્ટીના જોસેફ (જૉ) બાઈડનની જીતને માન્યતા આપવા માટેની ચર્ચા કરવા સંસદસભ્યો બંને ગૃહમાં એકત્ર થયા હતા ત્યારે દેખાવકારો અચાનક ત્યાં ઘૂસી ગયા હતા. પ્રમુખ ટ્રમ્પે એમના હિંસક દેખાવકારોને વિનંતી કરી હતી કે તેઓ એમને ઘેર પાછા ચાલ્યા જાય. ચૂંટણીમાં થયેલી હારનો સ્વીકાર કરવાની ટ્રમ્પે ફરી ના પાડી દીધી છે અને દાવો કર્યો છે કે ચૂંટણીના પરિણામમાં ઘાલમેલ કરવામાં આવી છે.
Distressed to see news about rioting and violence in Washington DC. Orderly and peaceful transfer of power must continue. The democratic process cannot be allowed to be subverted through unlawful protests.
— Narendra Modi (@narendramodi) January 7, 2021