નવી દિલ્હીઃ નફ્ફ્ટ ચીન હંમેશાં અરુણાચલ પ્રદેશ પર પોતાનો દાવો કરતું આવ્યું છે અને ભારતે ચીનના એ દાવાને કાયમ ફગાવ્યા કર્યો છે. ભારત અરુણાચલ પ્રદેશમાં વિકાસ કાર્યો માટે એક અબજ ડોલરના ખર્ચની યોજના બનાવી રહ્યું છે. આ પગલાંથી ચીન ધૂંવાંપૂંવાં છે. જેથી બંને દેશો વચ્ચે ટેન્શન વધી શકે છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારામનના નેતૃત્વમાં મંત્રાલયે હાલમાં જ પૂર્વોત્તર ક્ષેત્રમાં પ્રત્યેક હાઇડ્રો પ્રોજેક્ટ માટે 7.5 અબજ સુધીની નાણાકીય મદદની મંજૂરી આપી છે. આ યોજના હેઠળ અરુણાચલ પ્રદેશમાં 12 હાઇડ્રો પ્રોજેક્ટ માટે 90 અબજની ફાળવણી કરવામાં આવશે.
બીજી બાજુ, ચીનના વિદેશ મંત્રાલયે એ રિપોર્ટ પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ભારતને અરુણાચલ પ્રદેશમાં વિકાસ કાર્ય કરવાનો અધિકાર નથી. ચીન અરુણાચલ પ્રદેશને દક્ષિણી તિબેટ કહે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા કહે છે, દક્ષિણી તિબેટ ચીનનું ક્ષેત્ર છે. જેથી ભારતને ત્યાં વિકાસ કાર્ય કરવાનો અધિકાર નથી અને ચીની ક્ષેત્ર પર અરુણાચલ પ્રદેશની સ્થાપના ગેરકાયદે અને અમાન્ય છે.
બજેટમાં થશે એલાન
પૂર્વોત્તરના રાજ્યોમાં હાઇડ્રોપાવર સ્ટેશનોની યોજનાઓની જાહેરાત 2024-25ના બજેટમાં કરવામાં આવે એવી અપેક્ષા છે. નાણાપ્રધાન 23 જુલાઈએ બજેટ રજૂ કરવાના છે. ભારતે છેલ્લાં 20 વર્ષોમાં 15 ગિગાવોટથી પણ ઓછા હાઇડ્રોપાવર સ્ટેશનોનું નિર્માણ કર્યું છે.
ભારત અને ચીનની વચ્ચે 2500 કિલોમીટરથી વધુ લાંબી વિવાદિત સરહદ છે. ભારતનું કહેવું છે કે અરુણાચલ પ્રદેશ દેશનું અભિન્ન અંગ છે, પણ ચીનનો દાવો છે કે એ દક્ષિણી ટિબેટનો હિસ્સો છે અને એણે ત્યાં ભારતના પાયાના માળખાના પ્રોજેક્ટો પર વાંધા ઉઠાવ્યો છે.