ચીને ભારતીય સરહદે 60,000 સૈનિકો તહેનાત કર્યાઃ અમેરિકા

વોશિંગ્ટનઃ LAC પર ભારત અને ચીનની વચ્ચે ટેન્શન જારી છે. સરહદે અવરોધ વચ્ચે ચીને LAC (વાસ્તવિક નિયંત્રણ રેખા) પર 60,000થી વધુ સૈનિકો તહેનાત કરી રાખ્યા છે, એમ અમેરિકી વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ આ વાત કહી હતી. તેમણે ચીનના ખરાબ વલણ અને ક્વાડ દેશો માટે ચેતવણી આપતાં ચીન પર નિશાન સાધ્યું હતું.

ચાર દેશોની આ બેઠક હિંદ-પ્રશાંત, દક્ષિણી ચીન સાગર અને પૂર્વ લદ્દાખમાં LAC પર ચીનના આક્રમક સૈન્ય વલણની વચ્ચે જાપાનના પાટનગર ટોક્યોમાં યોજવામાં આવી હતી. ટોક્યો બેઠકમાં ભાગ લઈને અમેરિકાના વિદેશપ્રધાન માઇક પોમ્પિયોએ ગઈ કાલે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતીય ઉત્તરીય સીમા પર 60,000 ચીની સૈનિકોની હાજરી જોવામાં આવી છે.

તેમણે કહ્યું હતું કે હું ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના મારી સમકક્ષ વિદેશપ્રધાનોની સાથે હતો. હું ક્વાડની બેઠકમાં ભાગ લેવા ગયો હતો. ચાર મોટા લોકતંત્ર, ચાર શક્તિશાળી અર્થતંત્રો, ચાર દેશો, જેમાં સૌથી અસલ ચિંતા ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને ઊભા થયેલા જોખમોથી જોડાયેલી છે.

ચીનના પ્રયાસો તેની વિસ્તારવાદી આક્રમકતાનો ભાગ

બીજી બાજુ, અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA)એ કહ્યું કે ભારત પાસે આવેલી LAC પર તાકાતના બળ પર નિયંત્રણ કરવાની ચીનના પ્રયાસો તેની વિસ્તારવાદી આક્રમકતાનો ભાગ છે અને એ વાત સ્વીકારવાનો સમય હવે આવી ગયો છે કે વાતચીત અને સમજૂતીથી આ વાત  હલ થાય એવી નથી. આ ઉપરાંત ચીન પોતાનું આક્રમક વર્તન નહીં બદલે.
આ પહેલાં અમેરિકી NSAના રોબર્ટ ઓ બ્રાયનને આ સપ્તાહની શરૂઆત ઉટાહમાં ચીનની ટિપ્પણી કરતાં કહ્યું હતું કે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી ભારતની સાથે લાગતી પોતાની સીમાને વિસ્તારવાદ મામલે પોતાની આક્રમકતા જાળવી રાખશે અને ચીનની તાકાત અને બળના જોરે LAC પર નિયંત્રણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે ચીનની વિસ્તારવાદી આક્રામકતા ઉદાહરણ તાઇવાનમાં જોવા મળે છે જ્યાં એની નૌસેના અને વાયુસેના સતત સૈન્ય અભ્યાસ કરીને પોતાનો દબદબો બનાવાનો પ્રયાસ કરે છે.