શાળાઓ બંધ રહેવાથી ભારતને $400 અબજની ખોટ

વોશિંગ્ટન/નવી દિલ્હી: ભારતમાં કોરોના વાઈરસ રોગચાળાના ફેલાવાને કારણે શાળાઓ લાંબા સમય સુધી બંધ રહેવાથી ભારતને કદાચ ભાવિ કમાણીની દ્રષ્ટિએ 400 અબજ ડોલરની ખોટ જાય એવો સંભવ છે. તે ઉપરાંત આ દેશોના બાળકોને શિક્ષણ-ગ્રહણમાં પણ મોટું નુકસાન જશે. આવો ઉલ્લેખ વિશ્વ બેન્કે તેના એક રિપોર્ટમાં કર્યો છે.

વર્લ્ડ બેન્કના અહેવાલમાં જણાવાયું છે કે હાલના સંજોગોમાં શાળાઓ બંધ રહેવાથી દક્ષિણ એશિયા વિસ્તારના દેશોને 622 અબજ ડોલરની ખોટ જવાનો સંભવ છે. આ આંકડો 880 અબજ ડોલર સુધી વધવાની પણ સંભાવના છે. આ પ્રાદેશિક ખોટ મુખ્યત્વે ભારતને કારણે છે. બીજા દેશોને પણ એમના જીડીપીનો નોંધનીય હિસ્સો ગુમાવવો પડશે.

અહેવાલમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે દક્ષિણ એશિયાના દેશો 2020માં અત્યાર સુધીની સૌથી ખરાબ આર્થિક મંદીમાં પટકાશે, કારણ કે કોરોના વાઈરસની વિનાશકારી અસર આ વિસ્તારની અર્થવ્યવસ્થા પર પડશે.

અહેવાલમાં જણાવાયું છે કે શાળાઓ કામચલાઉ ધોરણે બંધ રખાવાથી તમામ દક્ષિણ એશિયાઈ દેશોમાં વિદ્યાર્થીઓ ઉપર ઘણી માઠી અસર ઊભી થશે. આ દેશોમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના 39 કરોડ 10 લાખ જેટલા વિદ્યાર્થીઓ શાળાએ જઈ નથી શકતા. આગળ જતાં એમને માટે ભણતરની સમસ્યા પણ ઊભી થઈ શકે છે.

કોરોના મહાબીમારીને કારણે આશરે 55 લાખ વિદ્યાર્થીઓ ભણવાનું જ છોડી દે એવું બની શકે છે. આને કારણે આ દેશોના બાળકોને શિક્ષણ-ગ્રહણમાં પણ મોટી હાનિ થશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]