લંડનઃ ભયાનક જાગતિક રોગચાળા કોરોના વાઈરસના ચેપનો શિકાર બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોન્સન પણ બન્યા છે. એમને લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં એમની તબિયત વધારે બગડતાં એમને હોસ્પિટલના આઈસીયૂમાં ખસેડવામાં આવ્યા છે.
બોરીસ જોન્સન હોસ્પિટલમાં રહેશે ત્યાં સુધી બ્રિટનમાં વડા પ્રધાનની ફરજ વિદેશ સચિવ ડોમિનિક રાબ સંભાળશે.
જોન્સનને 10 દિવસ પહેલાં કોરોના થયાનું માલૂમ પડ્યું હતું.
બ્રિટિશ વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 10, ડાઉનિંગ સ્ટ્રીટ તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં જણાવાયું છે કે જોન્સનની તબિયત વધારે બગડી છે અને એમની મેડિકલ ટીમની સલાહને પગલે એમને હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોન્સને વિદેશ સચિવ ડોમિનિક રાબને જણાવ્યું છે કે પોતે હોસ્પિટલમાં છે ત્યાં સુધી જ્યારે જરૂર પડે ત્યારે તેઓ વડા પ્રધાન તરીકે ફરજ અદા કરે.