બર્ફિલો ચક્રવાત ‘બોમ્બ સાઈક્લોન’ ત્રાટક્યો; અમેરિકાના ઈસ્ટ કોસ્ટમાં જનજીવન સ્થગિત

ન્યૂ યોર્ક – અમેરિકાના પૂર્વ ભાગમાં સમુદ્ર કાંઠાના રાજ્યોમાં હાડ થીજાવી દેનારી ઠંડી પડી રહી છે અને એવામાં ભયંકર બર્ફિલો ચક્રવાત ત્રાટક્યો છે. આ બરફના ચક્રવાતને ‘બોમ્બ સાઈક્લોન’ નામ આપવામાં આવ્યું છે. ઈસ્ટ કોસ્ટ પર આ ચક્રવાત ત્રાટક્યા બાદ અમેરિકાના અનેક રાજ્યોમાં ઈમરજન્સી ઘોષિત કરવામાં આવી છે.

ન્યૂ યોર્કમાં બરફમાં છવાઈ ગયો છે જોઝફાઈન શો લોવેલ મેમોરિયલ ફાઉન્ટેન

આ ચક્રવાત ફૂંકાતા દક્ષિણ ભાગના ફ્લોરિડા જેવા પ્રમાણમાં ગરમાટો અનુભવતા રાજ્યોમાં પણ બરફવર્ષા થઈ છે. ફ્લોરિડામાં દસ વર્ષમાં પહેલી વાર બરફ પડ્યો છે. વિજ્ઞાનીઓએ આગાહી કરી છે કે આવનારા દિવસોમાં અમેરિકાના અમુક ભાગોમાં તો લઘુત્તમ તાપમાન મંગળના ગ્રહ કરતાં પણ વધારે ઘટી જશે. મંગળ પર હાલ માઈનસ 18.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે.

અમેરિકાના 90 ટકા ભાગોમાં લઘુત્તમ તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું છે. આંકડાઓ કહે છે કે અમેરિકામાં 133 વર્ષ બાદ પહેલી વાર આટલી બધી કાતિલ ઠંડી પડી છે.

ઈસ્ટ કોસ્ટમાં ફરી વળેલા અતિશય કાતિલ ઠંડીના અસાધારણ મોજાંને વિજ્ઞાનીઓએ ‘બોમ્બોજેનેસિસ’ નામ આપ્યું છે. વિજ્ઞાનીઓએ દસ દિવસ પહેલાં જ કહ્યું હતું કે આવનારા દિવસોમાં જે ઠંડી પડશે એની સરખામણીમાં હાલ પડી રહેલી ઠંડી તો કંઈ જ ન કહેવાય.

બોમ્બ સાઈક્લોનને કારણ બર્ફિલો પવન પ્રતિ કલાક 65-95 કિલોમીટરની ગતિએ ફૂંકા ઈરહ્યો છે. અમુક જગ્યાએ 10-12 ઈંચ બરફ પડ્યો હોવાનો અહેવાલ છે.

ઈસ્ટ કોસ્ટ પરના રાજ્યોમાં અનેક ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. શાળાઓ બંધ રાખવામાં આવી છે.

હવામાન વિભાગે નોર્થ કેરોલીનાથી લઈને મેઈન રાજ્યો માટે બર્ફિલા તોફાનની આગાહી કરી હતી. વર્જિનિયામાં હેમ્પટન રોડ્સમાં 12 ઈંચ બરફ પડતાં રસ્તાઓ પર પ્રવાસ કરવાનું જોખમી બની ગયું છે.

ગુરુવારથી ન્યૂ ઈંગ્લેન્ડ, મેસેચ્યૂશેટ્સ, રોડ આઈલેન્ડમાં પણ કાતિલ ઠંડી-બરફને કારણે પરિસ્થિતિ વિકટ બનવાની આગાહી છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]