લાહોરઃ 2008ના મુંબઈ આતંકી હુમલાઓના સૂત્રધાર હાફીઝ સઈદના અત્રેના નિવાસસ્થાન નજીક આજે એક મોટો બોમ્બ વિસ્ફોટ થયો હતો જેને કારણે ત્રણ જણ માર્યા ગયા છે અને બીજા 23 જણ ઘાયલ થયા છે. મૃતકોમાં 6 વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે.સઈદ લશ્કર-એ-તૈબા ત્રાસવાદ સંગઠનનો સ્થાપક છે.
ધડાકો લાહોર શહેરના જોહર ટાઉન વિસ્તારમાં થયો હતો. ઈજાગ્રસ્તોને ખાનગી કાર અને ઓટોરિક્ષાઓ દ્વારા લાહોરની જિન્નાહ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ નજરે જોનારાઓનું કહેવું છે કે એક અજાણ્યા શખ્સે સઈદના ઘર નજીક એક મોટરબાઈક પાર્ક કર્યું હતું, જે થોડા સમય બાદ પ્રચંડ ધડાકા સાથે ફાટ્યું હતું. ધડાકાનો અવાજ એટલો જોરદાર હતો કે આસપાસના મકાનોની બારીઓના કાચ તૂટી ગયા હતા. અવાજ ઘણે દૂર સુધી સંભળાયો હતો. સઈદ એ વખતે ઘરમાં હાજર હતો કે નહીં એ હજી જાણવા મળ્યું નથી. પંજાબ પ્રાંતના મુખ્ય પ્રધાન ઉસમાન બઝદરે આ બનાવની તપાસનો અહેવાલ મગાવ્યો છે.