અફઘાનિસ્તાનના 370માંથી 50 જિલ્લામાં તાલિબાનનો કબજો

ન્યુ યોર્કઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનના આંતકવાદીઓએ મે મહિના પછી અત્યાર સુધી દેશના 50થી વધુ જિલ્લાઓ પર કબજો કરી લીધો છે. દેશમાંથી અમેરિકી સેનાની પરત ફરવાની ઘોષણા પછી તાલિબાનનો આતંક ફરી એક વાર વધવા લાગ્યો છે. ડેબોરો લિયોન્સે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને જણાવ્યું હતું કે આ વર્ષના પ્રારંભમાં ઘોષણા કરવામાં આવી હતી કે વિદેશી સૈનિકોને પરત બોલાવી લેવામાં આવશે. એ પછી અફઘાનિસ્તાનમાં તબાહી શરૂ થઈ ગઈ છે.

લિયોન્સના જણાવ્યા મુજબ જે જિલ્લાઓની પ્રાંતીય રાજધાનીઓમાંથી તાલિબાનીઓને ખદેડી મૂકવામાં આવ્યા હતા. તેમને તાલિબાન ફરીથી પરત લેવાની કોશિશ કરી રહ્યા છે. તેઓ રાહ જોઈ રહ્યા છે કે વિદેશી સેના સંપૂર્ણ રીતે પરત ફરે. અફઘાનિસ્તાનમાં 20 વર્ષો સુધી ચાલેલા યુદ્ધ પછી હવે અમેરિકાએ પોતાના સૈનિક બોલાવવાના શરૂ કર્યા છે, જે 11 સપ્ટેમ્બર સુધી દેશમાંથી સંપૂર્ણ રીતે નીકળી જશે. નાટો દેશોના આશરે 7000 નોન-અમેરિકી કર્મચારી- જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ અને જ્યોર્જિયાના લોકો સામેલ છે.  તેઓ પણ નક્કી તારીખ સુધી અફઘાનિસ્તાનમાંથી બહાર જવાની યોજના બનાવી રહ્યા છે. અમેરિકી રાજદૂત લિન્ડા થોમસ-ગ્રીનફીલ્ડે કહ્યું હતું કે અમેરિકી સૈનિકોને પરત બોલાવવાનો નિર્ણય બહુ વિચારવિમર્શ પછી લેવામાં આવ્યો છે.

દેશમાં વધતા તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન શુક્રવારે વ્હાઇટ હાઉસમાં અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અસરફ ગની અને અફઘાનિસ્તાનની નેશનલ સમાધાન પરિષદના અધ્યક્ષ અબદુલ્લાની સાથે મુલાકાત કરશે. જોકે કતારમાં તાલિબાન અને અફઘાન સરકારના પ્રતિનિધિઓની વચ્ચે રાજકીય સમજૂતી પર વાતચીત ઠપ થઈ ગઈ છે.