વોશિંગ્ટનઃ માઈક્રોસોફ્ટ કંપનીના 65 વર્ષીય સહ-સ્થાપક અને દુનિયાના ભૂતપૂર્વ નંબર-1 શ્રીમંત, બિલ ગેટ્સ અને એમના પત્ની મેલિન્ડાએ એમનાં 27-વર્ષના લગ્નજીવનનો અંત આણવાનો નિર્ણય લીધો છે. બંનેએ આ વિશે સંયુક્તપણે જાહેરાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે બંને જણ ‘બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન’ માટે કામ કરવાનું ચાલુ રાખશે. એમની આ સંસ્થા દુનિયામાં સૌથી મોટી સખાવતી સંસ્થા ગણાય છે. ગેટ્સ દંપતીએ સિએટલ શહેરમાં કિંગ કાઉન્ટી સુપિરીયર કોર્ટમાં છૂટાછેડા માટે સંયુક્ત અરજી નોંધાવી છે. એમને ત્રણ સંતાન છે – જેનિફર, રોરી અને ફોબી. બિલ અને મેલિન્ડાએ એક સરખા ટ્વીટ કરીને જાણકારી આપી છે કે અમે સાથે રહી શકીએ એમ નથી. વિસ્તૃત રીતે ચર્ચા કર્યા બાદ અને અમારા સંબંધ માટે ઘણું કામ કર્યા બાદ હવે અમે લગ્નના બંધનમાંથી મુક્ત થવાનો નિર્ણય લીધો છે. બિલ અને મેલિન્ડાએ 1994માં હવાઈમાં આયોજિત ભપકાદાર સમારંભમાં લગ્ન કર્યા હતા. મેલિન્ડા ફ્રેન્ચ 1987માં માઈક્રોસોફ્ટમાં પ્રોડક્ટ મેનેજર તરીકે કામ કરતાં હતાં અને એ દરમિયાન જ બંને એકબીજાંની નિકટ આવ્યાં હતાં. હવે આ અબજોપતી દંપતી એમની સંપત્તિની કઈ રીતે વહેંચણી કરે છે તેની પર બધાયની નજર છે.
એમેઝોન કંપનીના સીઈઓ જેફ બેઝોસ અને એમના પત્ની મેકેન્ઝી પણ છૂટાછેડા લઈ ચૂક્યા છે. એમણે 2019માં છૂટાછેડા લીધા હતા. મેકેન્ઝીએ ફરી લગ્ન પણ કરી લીધાં છે. એમને એમેઝોનમાંથી 4 ટકા હિસ્સો મળ્યો હતો, જે 36 અબજ ડોલર જેટલો થાય છે.