રાજા ચાર્લ્સ-ત્રીજાના ચિત્રવાળી પ્રથમ ચલણી નોટનું અનાવરણ

લંડનઃ બેન્ક ઓફ ઈંગ્લેન્ડે રાણી એલિઝાબેથ-દ્વિતીયનાં અવસાનને પગલે રાજા ચાર્લ્સ-તૃતિયનું ચિત્ર દર્શાવતી નવી ડિઝાઈનવાળી પ્રથમ બેન્કનોટનું અનાવરણ કર્યું છે. આ નવી નોટ્સ 2024ની સાલના મધ્ય ભાગમાં ચલણમાં મૂકાય એવી ધારણા છે અને ધીમે ધીમે તે ચાર્લ્સના સદ્દગત માતાનાં ચિત્રવાળી ચલણી નોટોનું સ્થાન લેશે. એલિઝાબેથ-દ્વિતીયનાં ચિત્રવાળી ચલણી નોટો 1960ની સાલથી ચલણમાં શરૂ કરાઈ હતી.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડે હાલ 4.7 અબજ ચલણી નોટોને ચલણમાં મૂકી છે, જેમનું કુલ મૂલ્ય આશરે 82 અબજ પાઉન્ડ (99.8 અબજ ડોલર) થાય છે. બ્રિટનની ચલણી નોટોનું છાપકામ 1956ની સાલથી એસેક્સ પ્રાંતની ડેબડેન પ્રિન્ટિંગ વર્ક્સ ઈમારત ખાતે કરવામાં આવે છે.