ગાઝામાં યુદ્ધનો તત્કાળ અંત લાવવાની આરબ, મુસ્લિમ દેશોના નેતાઓની માગણી

રિયાધઃ સાઉદી અરેબિયા તથા અન્ય મુસ્લિમ દેશોએ ગાઝામાં લશ્કરી કાર્યવાહીઓનો તત્કાળ અંત લાવવાની માગણી કરી છે. પેલેસ્ટાઈનનાં લોકો સામે આત્મરક્ષણ માટે મિલિટરી પગલું ભર્યાના ઈઝરાયલના દાવાને આરબ-મુસ્લિમ નેતાઓએ નકારી કાઢ્યો છે. રિયાધમાં ગઈ કાલે સંયુક્ત ઈસ્લામિક-આરબ શિખર સંમેલન મળ્યું હતું. એમાં ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટને વિનંતી કરવામાં આવી હતી કે પેલેસ્ટીનિયન વિસ્તારોમાં ઈઝરાયલે કરેલા યુદ્ધ અપરાધો અને માનવતા વિરુદ્ધના અપરાધોની એ તપાસ કરાવે. આ જાણકારી સંમેલન બાદ રિલીઝ કરવામાં આવેલા એક સંદેશમાં આપવામાં આવી છે.

સાઉદી અરેબિયાએ ભારપૂર્વક કહ્યું કે અમેરિકા અને ઈઝરાયલ ગાઝામાં શત્રુતાનો અંત લાવે. સંમેલનમાં સાઉદી અરેબિયા વતી રાજકુમાર મોહમ્મદ બિન સલમાન હાજર રહ્યા હતા, જેઓ આ દેશના શાસક છે. ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રાઈસી, તુર્કીના પ્રમુખ તાઈપ એર્ડોગન, કતરના અમિર શેખ તમિમ બિન હમાદ અલ થાની અને સિરિયાના પ્રમમુખ બશર અલ-અસદ, પેલેસ્ટાઈનના પ્રમુખ મેહમૂદ અબ્બાસ, ઈન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ પણ આ સંમેલનમાં હાજરી આપી હતી.

દરમિયાન, ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સામે એમના જ દેશમાં વિરોધ થયો છે. ઈઝરાયલના માર્ગો પર ગઈ કાલે હજારો લોકો ઉતર્યાં હતાં અને ગાઝા સાથે યુદ્ધવિરામ કરવાની માગણી કરી હતી. પરંતુ નેતન્યાહૂ આ માગણી સામે દબાણમાં આવ્યા નથી. એમણે કહ્યું કે જ્યાં સુધી હમાસ સંગઠન બંધકોને મુક્ત નહીં કરે ત્યાં સુધી યુદ્ધવિરામની વાત જ નહીં થાય.