વિન્ડસરઃ કેનેડાના ઓન્ટેરિયો પ્રાંતના વિન્ડસરમાં આવેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) મંદિરને અમુક અસામાજિક તત્ત્વોએ અપવિત્ર કર્યું છે. એમણે દીવાલ પર ભારત-વિરોધી ભીંતચિત્ર-લખાણ વડે મંદિરને અપવિત્ર કર્યું છે. 2021ના જુલાઈ મહિનાથી કેનેડામાં ભારતીય હિન્દૂ મંદિરો સાથે અપરાધી વ્યવહારની ઘટનાઓ બનતી રહી છે.
(તસવીર સૌજન્યઃ https://www.baps.org/)
નવા બનાવમાં વિન્ડસરના BAPS મંદિરની દીવાલ પર ભારત તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં અને અલગતાવાદી ખાલિસ્તાન ચળવળના ટેકામાં સૂત્રો લખવામાં આવ્યા છે. BAPS સંસ્થાએ આ બનાવ અંગે આઘાત અને નિરાશાની લાગણી વ્યક્ત કરી છે. પોલીસને આ મામલે તત્કાળ પગલું ભરવા જણાવવામાં આવ્યું છે.
2021ના જુલાઈથી કેનેડામાં હિન્દૂ મંદિરને અપવિત્ર કરવાનો આ પાંચમો બનાવ બન્યો છે. આ પહેલાં મિસિસોગામાં રામ મંદિર અને બ્રેમ્પ્ટનમાં ગૌરી શંકર મંદિરને આ જ રીતે અપવિત્ર કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત રિચમોન્ડ હિલ વિસ્તારમાં વિષ્ણુ મંદિર ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને ખરાબ કરવામાં આવી હતી. ત્યારબાદ ગયા સપ્ટેમ્બરમાં ટોરોન્ટોમાં BAPS સંસ્થાના જ સ્વામીનારાયણ મંદિરમાં ભાંગફોડ કરવામાં આવી હતી.