વોશિંગ્ટન- પાકિસ્તાનમાં નવી સરકાર બનવા જઈ રહી છે. પરંતુ તે પહેલાં અમેરિકાએ પાકિસ્તાન માટે સારા સમાચાર આપ્યા છે. અમેરિકન સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા સંરક્ષણ બિલ અનુસાર હવે પાકિસ્તાનને અમેરિકા પાસેથી સહાય મેળવવા માટે આતંકવાદી નેટવર્ક સામે પગલાં લેવાની જરુર નથી.ગત રોજ અમેરિકન સંસદમાં પસાર કરવામાં આવેલા આ બિલમાં પાકિસ્તાનને આપવામાં આવતી સહાય ઘટાડીને ભલે 15 કરોડ ડોલર કરવામાં આવી છે. પરંતુ હવે પાકિસ્તાનને આ સહાય મેળવવાના બદલામાં હક્કાની નેટવર્ક અને લશ્કર-એ-તૈયબા સામે પગલાં લેવાની રાખવામાં આવેલી પૂર્વ શરત ટ્રમ્પ પ્રશાશન દ્વારા દૂર કરવામાં આવી છે.
અમેરિકન કોંગ્રેસના સેનેટમાં 2019ના નાણાંકીય વર્ષ માટે જ્હોન એસ. મેક્કેને નેશનલ ડિફેન્સ ઓથોરાઈઝેશન એક્ટ સંરક્ષણ બિલ 10 મતની વિરુદ્ધ 87 મત સાથે પસાર કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્ઝે ગયા અઠવાડિયે જ આ બિલ પર સ્વીકૃતિની મોહર લગાવી હતી. હવે આ ખરડો પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને મોકલવામાં આવશે.
અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન વ્હાઈટ હાઉસ નેશનલ સિક્યુરિટી કાઉન્સીલના સભ્ય રહેલા અનીશ ગોયલે જણાવ્યું કે, આ બિલમાં પાકિસ્તાનને આપવામાં આવતી કુલ રકમ ઘટાડીને 15 કરોડ ડોલર કરવામાં આવી છે. જે ગત વર્ષે મંજૂર કરવામાં આવેલી 70 કરોડ ડોલરની સરખામણીમાં ઘણી ઓછી છે.