બંગલાદેશના શોપિંગ મોલમાંની આગમાં 43નાં મોત, 22 ઘાયલ

ઢાકાઃ બંગલાદેશના પાટનગર ઢાકામાં એક સાત માળના શોપિંગ મોલમાં આગ લાગવાથી કમસે કમ 43 લોકોનાં મોત થયાં છે. આ આગની ઘટનામાં 22 લોકો ઘાયલ થયા છે. અનેક લોકો આગની જ્વાળાઓ જોતાં ઇમારતથી નીચે કૂદવા લાગ્યા હતા. બંગલાદેશના આરોગ્ય મંત્રી સામંત લાલ સેને ઢાકા મેડિકલ કોલેજ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી 43 લોકોનાં મોત થયાં છે અને હજી આ આંકડો વધવાની આશંકા છે.

તેમના જણાવ્યા મુજબ શહેરની મુખ્ય હોસ્પિટલમાં આશરે 40 ઘાયલોને દાખલ કરવામાં આવ્યા હતા. આ ઇજગ્રસ્તોમાં અનેકની હાલત ગંભીર હોવાથી મૃતકાંક વધવાની શક્યતા છે.આ આગની ઘટના ઇમારતના ફર્સ્ટ ફ્લોર પર આવેલી એક રેસ્ટોરાંમાં લાગી હતી. જે ધીમે-ધીમે ઉપરના માળાઓ સુધી ફેલાઈ ગઇ હતી. અહીં કેટલીય રેસ્ટોરાં અને કપડાંની દુકાનો હતી. એક અધિકારીએ કહ્યું કે આગ લાગવાને કારણે ઇમારતમાં 75થી વધુ લોકો ફસાઈ ગયા હતા જેમાં 42 બેભાન થઇ ગયા હતા. આ લોકોને ઈમારતથી હેમખેમ બહાર લવાયા હતા.

ફાયરબ્રિગેડની ટીમની 13 ગાડીઓએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીય રેસ્ટોરાંમાં ગેસ સિલિન્ડર હતાં. આ આગ લાગવાને કારણે અનેક લોકો ઇમારતની અંદર ફસાઈ ગયા હતા. અત્યાર સુધી આગ લાગવાનું કારણ માલૂમ નથી પડ્યું.  ફાયરબ્રિગ્રેડની ટીમો મહા મહેનતે આ આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફાયરબ્રિગ્રેડે આ આગ કઈ રીતે લાગી એના માટે ટીમની રચના કરી છે, જે આગ લાગવાનાં કારણોની તપાસ કરશે.