નવી દિલ્હીઃ યુગાન્ડામાં થયેલા એક હુમલામાં 41 લોકોનાં મોત થયાં છે. આ મૃતકોમાં 38 વિદ્યાર્થીઓ છે. બોર્ડરના મેયરનું કહેવું હતું કે આ હુમલો કેટલાક સંદિગ્ધ વિદ્રોહીઓએ કર્યો હતો. પોલીસનું કહેવું હતું કે અશાંત પૂર્વી કાંગોમાં એલાઇડ ડેમોક્રેટિક ફોર્સિસના વિદ્રોહીઓએ સરહદી વિસ્તાર મપોંડવના લુબિરિહા સેકેન્ડરી સ્કૂલમાં મોડી રાતે હુમલો કર્યો હતો.
યુગાન્ડા બોર્ડરના મેયર સેલેવેસ્ટ માપોઝે કહ્યું હતું કે માર્યા ગયેલાઓમાં 38 વિદ્યાર્થીઓ, એક ગાર્ડ અને સ્થાનિક સમુદાયના બે સભ્યો સામેલ છે, જેને સ્કૂલની બહાર ગોળી મારવામાં આવી હતી. ઇસ્લામિક સ્ટેટ સમૂહથી જોડાયેલા સંદિગ્ધ યુગાંડાના વિદ્રોહીઓએ કાંગો સરહદની પાસે એક સ્કૂલ પર હુમલો કર્યો હતો. જે સ્કૂલ પર હુમલો કર્યો હતો એનું અંતર કાંગો સીમાથી આશરે બે કિલોમીટર છે.
પોલીસે કહ્યું હતું કે એક હોસ્ટેલમાં આગ લગાવવામાં આવી હતી અને એક ખાદ્ય ભંડાર લૂંટી લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી સ્કૂલમાંથી 25 મૃતદેહો મળી આવ્યા છે અને તેમને બવેરા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. એક સરકારી અધિકારી અને એક સેનાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્યનું અપહરણ કરી લેવામાં આવ્યું છે. યુગાન્ડાના સૈનિકોએ હુમલાખોરોને કાંગોના વિરુંગા નેશનલ પાર્કમાં ટ્રેક કર્યા હતા. સેનાએ એક નિવેદનમાં પુષ્ટિ કરી હતી કે કાંગોની અંદર યુગાન્ડાના સૈનિક દુશ્મનનો પીછો કરી રહ્યા હતા.
એક પ્રભાવશાળી રાજકીય નેતા અને ક્ષેત્રના ભૂતપૂર્વ વિધાનસભ્ય વિની કિઝાએ ટ્વિટર પર આ હુમલાની નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે સ્કૂલો પર હુમલા અસ્વીકાર્ય છે અને બાળકોના અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે.