દુબઈના ઝેન ટાવરની આગમાં 15 માળ ખાખ થઈ ગયા; સદ્દભાગ્યે કોઈ જાનહાનિ નથી

દુબઈ – ગયા રવિવારે અહીંના પૉશ વિસ્તાર દુબઈ મરિના સ્થિત જ્યાં ભયાનક આગ લાગી હતી કે જાણીતા ઝેન ટાવરમાં પશ્ચિમ બાજુ પરના 15 માળ આગમાં નાશ પામ્યા છે.

દુબઈ સિવિલ ડીફેન્સે ફોરેન્સિક નિષ્ણાતોને આગના કારણની તપાસ કરવા દેવા માટે આ ટાવરને દુબઈ પોલીસને સુપરત કરી દીધો છે.

રહેવાસીઓને એમનો સામાન ભેગો કરવા માટે મકાનની અંદર સુરક્ષિત રીતે અને ધીમે ધીમે પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી છે.


સદ્દભાગ્યે આગની દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ટાવરમાં ઘણા ગુજરાતી જૈન ડાયમંડ વેપારીઓ એમના પરિવારો સાથે રહે છે. રસિકલાલ ધારીવાલ (માણિકચંદવાળા)ના પુત્રી પણ આ જ ટાવરમાં રહે છે.


બીજી એક હૃદયસ્પર્શી વાત એ છે કે દુબઈના રહેવાસીઓએ ઝેન ટાવરની આગમાં જેમનો સામાન નાશ પામ્યો છે અને જેઓ કામચલાઉ બેઘર થઈ ગયા છે એ રહેવાસીઓ માટે હજારો આઈટમ્સ દાનમાં આપી છે.

દુર્ઘટના થયાના 12 કલાકની અંદર જ 70 જેટલા લોકો પોતપોતાના વાહનોમાં આવ્યા હતા અને અસરગ્રસ્ત રહેવાસીઓને પહેરવાનાં કપડાં, પેકેજ્ડ ખાદ્યસામગ્રી, રમકડાં, પોષણદાયક ઉત્પાદનો સહિત અનેક ચીજવસ્તુઓ દાનમાં આપી હતી.