ત્રાસવાદી સાથે સંપર્કમાં રહેનાર ગાંધીધામના રહેવાસીની મહારાષ્ટ્ર ATS અધિકારીઓ દ્વારા ધરપકડ

મુંબઈ – અહીંના જૂહુ વિસ્તારમાંથી ગયા અઠવાડિયે પકડાયેલા શકમંદ ત્રાસવાદી ફૈઝલ હસન મિર્ઝાના સંપર્કમાં રહેતો હોવાની શંકા પરથી મહારાષ્ટ્ર એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડના અધિકારીઓએ ગુજરાતના કચ્છમાંથી એક શખ્સની ધરપકડ કરી છે.

મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં 32 વર્ષીય અલ્લારખા ખાનને એના ઘરમાંથી પકડ્યો છે. એ ડ્રાઈવર તરીકે કામ કરે છે.

ફૈઝલ મિર્ઝાએ એના ત્રાસવાદી જૂથના સભ્યોની મદદથી મુંબઈ, ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં ત્રાસવાદી હુમલાઓ કરવાનો પ્લાન ઘડ્યો હતો. મહારાષ્ટ્ર ATS અધિકારીઓએ ગઈ 11 મેએ એને પકડીને એ હુમલાનો પ્લાન નિષ્ફળ બનાવ્યો છે.

પૂછપરછ દરમિયાન મિર્ઝાએ એટીએ અધિકારીઓને એના સાગરિકો તથા એની સાથે સંપર્કમાં રહેનારાઓના નામ આપ્યા હતા. અલ્લારખા ખાન એમાંનો એક છે.

મિર્ઝા અને અલ્લારખા દુબઈમાં રહેતા ફારુક દેવડીવાલા સાથે સંપર્કમાં રહેતા હતા. દેવડીવાલાએ ભારતમાં ત્રાસવાદી હુમલાઓ અને આત્મઘાતી બોમ્બ હુમલાઓ કરાવવા માટે મિર્ઝાને ભરતી કર્યો હતો.

મહારાષ્ટ્ર ATS અમલદારો હવે ખાનની પૂછપરછ કરીને એનું બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છે. મુંબઈની કોર્ટે ખાનને 25 મે સુધી પોલીસ કસ્ટડીમાં રીમાન્ડ પર રાખવાનો આદેશ આપ્યો છે.