GIDCમાં 3000 મીટર સુધીના પ્લોટ મળશે સસ્તી કીમતમાં…

ગાંધીનગર- નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે જણાવ્યું છે કે, સૂક્ષ્મ, લઘુ અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે જીઆઇડીસી દ્વારા અપાતાં 3000 મીટર સુધીના પ્લોટમાં 50 % ઓછી કિંમતે પ્લોટ ફાળવાશે. કેબિનેટની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. જીઆઇડીસીને આ જમીન વેચાણ આપવાની અને જમીનની કીમત નક્કી કરવાની હાલની જે પદ્ધતિ હતી તે પદ્ધતિ મુજબ જમીનની વેચાણ કીમત કરાતાં જીઆઇડીસીને કેટલીક જગ્યાએ ઊંચી કીમત ચૂકવવી પડતી હતી અને તે જીઆઇડીસીમાં જે એકમો સ્થપાય તેને વધારે કીમતની જમીન ફાળવવામાં આવતી હતી જેને કારણે નાના ઉદ્યોગ સાહસિકોને કારખાના બનાવવા માટેનું ખર્ચ અને રોકાણ વધી જતું હતું.

હવેથી નવા નિર્ણય પ્રમાણે જમીનની કીમત રાજ્ય સરકાર ૫૦ % ઓછી વસૂલશે એટલે કે, સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે3000 મીટર સુધીના પ્લોટની કીમત નક્કી થઇ હોય તેમાં 50 % રાહત આપશે તેથી આવા નાના ઉદ્યોગ સાહસિકોને જીઆઇડીસીમાં અડધી કીમતે પ્લોટ મળશે.

3000 મીટરથી વધુ મોટા પ્લોટ જે ઉદ્યોગોને આપવામાં આવશે તેની 100 % કિંમત ભરપાઇ કરવાની રહેશે એટલે 3000 મીટર સુધીના પ્લોટ સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ સાહસિકોને અડધી કીમતે આપવામાં આવશે. અને મોટા ઉદ્યોગો પાસે 100 % રકમ વસૂલ કરાશે. જેને પગલે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોને સસ્તા ભાવની જમીન મળવાથી તેઓ મોટા પ્રમાણમાં ઉદ્યોગ નાંખવા પ્રેરાશે.